દિવાળી પહેલા ખુલ્લુ મૂકાશે ગુજરાતનું આ નેશનલ પાર્ક, ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશો
મદદનીશ વન સંરક્ષક, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, ભાવનગરની યાદીમાં જણાવ્યું છે કે, તા.૧૬/૧૦/૨૦૨૪ થી મુલાકાતીઓ માટે રાષ્ટ્રીય ઉદ્યાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લુ મુકવામાં આવનાર છે, જેની તમામ વન્યપ્રાણી પ્રેમીઓ તથા મુલાકાતીઓએ નોંધ લેવી.
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભાલ વિસ્તાર અને ખાસ કરીને ભાવનગર જિલ્લાનું એક બહુમૂલ્ય નજરાણું છે. અહીંનું જૈવ વૈવિઘ્ય લોકોના અભ્યાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. મુક્ત રીતે વિહરતા કાળીયાર ઉપરાંત વરૂ અને ખડમોર જેવા વન્યજીવોની ભારતભરમાં સંખ્યા ઘટી રહી છે ત્યારે આ વિસ્તાર અને તેનું વન્યજીવન સંરક્ષણ અને લોકોના સહકારથી ખૂબ સારી રીતે સચવાયેલા છે.
ખાસ કરીને ઓકટોબરથી ફેબ્રુઆરી મહિના સુધી યાયાવર પક્ષીઓ માટે આ વિસ્તાર અભય સ્થાન છે. હેરીયર કુળના (પટ્ટાઈઓ) પક્ષીઓનું સામુદાયિક રાત્રી રોકાણ આ રાષ્ટ્રીય ઉદ્યાનને સમગ્ર વિશ્વમાં નોંધ લેવા પ્રેરે છે.
પ્રવાસીઓને રાત્રી રોકાણ માટે ઈકો-ટુરીઝમ ડેવલપમેન્ટ કમિટી, વેળાવદર હસ્તકની ડોરમેટરીમાં જ બુકીંગ ઉપલબ્ધ રહેશે. ડોરમેટરીના અગાઉથી બુકીંગ માટે મોબાઈલ નં.૬૩૫૩૨૧૫૧૫૧ / ૯૩૨૭૦૪૧૮૫૯ ઉપર સંપર્ક કરવો તેમજ નેશનલપાર્કની મૂલાકાત માટેનું બુકીંગ girlion.gujarat.gov.in પોર્ટલ મારફતે ઓનલાઈન થઈ શકશે જેની તમામ પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓએ નોંઘ લેવા વિનંતી છે.