અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના નગારાની ગુંજ સાંભળવા મળશે, મહાકાય નગારુ બનાવાયું
અખિલ ભારતીય ડબગર સમાજ આ ભવ્ય નગારું રામ મંદિરમાં ભેટમાં અપાશે. આ નગારાનું વજન અંદાજે 450 કિલોગ્રામ છે. આ નગારાની પહોળાઈ 56 ઈંચ છે. રામ મંદિર માટે તૈયાર કરવામાં આવી રહેલા નગારામાં સોના અને ચાંદીની કારીગરી કરવામાં આવશે. તો તેમાં ભવ્ય નકશીકામ પણ કરાશે.
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ ડબગરવાડમાં અયોધ્યા મોકલવા માટે ભવ્ય નગારું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આં નગારું બનાવવા પાછળ અંદાજિત 25 લાખનો ખર્ચ થશે.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરી, 2024 ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. ત્યારે આ મંદિરમાં અમદાવાદનુ મોટું યોગદાન છે. અયોધ્યામાં નિર્માણાધીન મંદિરના ધ્વજ દંડનું નિર્માણ અમદાવાદમાં થઈ રહ્યું છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજ દંડ તૈયાર થઈ રહ્યાંછે. જેમાં મુખ્ય ધ્વજ દંડ 5500 કિલો વજનનો અને 44 ફુટ ઉંચો ધ્વજ દંડ છે. મુખ્ય ધ્વજ દંડ સિવાય 20 ફુટ અને 700 કિલો વજનના છ ધ્વજ દંડ બની રહ્યાં છે.