રથયાત્રા માટે ધમધમતુ થયું જગન્નાથ મંદિરનું રસોડું, મામાના ઘરેથી આવેલા ભગવાન માટે તૈયાર કરાયો આ ખાસ મેનુ
આ વિધિ માટે કહેવાય છે કે, ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા મામાના ઘરે રોકાય છે. જ્યાં તેમની આગતા- સ્વાગતા કરવામાં આવી હતી. 15 દિવસ મામાના ઘરે ભાવતા તમામ ભોજન આરોગ્યા બાદ ભગવાનને આંખો આવી જાય છે. ખાસ કરીને જાંબુ ખાધા બાદ તેમને આંખો આવે છે તેવુ માનવામાં આવે છે. પછી જ્યારે પ્રભુ મંદિરમાં આવે છે ત્યારે તેમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. જેથી મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે.
આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. જેમાં ભગવાન ઝડપથી સાજા થઇ જાય તે માટે મંત્રો સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે અને અષાઢી બીજે આંખો પરથી પાટા ખોલવામાં આવે છે.રથયાત્રાને હવે બે જ દિવસ બાકી છે ત્યારે ભગવાન ફરી નિજમંદિરે પધારતા ભક્તોમાં આનંદ છે.હવે આવતીકાલે ભગવાન સોનાવેશ ધારણ કરશે. સાથે રથની પણ પૂજા કરવામાં આવશે.
જગન્નાથ મંદિરમાં સાધુ સંતો માટે આજે ભંડારાનું આયોજન કરાયું છે. ભંડાર માટે રસોડામાં ખાસ રસોઈ તૈયાર થઈ રહી છે. આજના નેત્રોત્સવ વિધિના દિવસે ભગવાન માટે ખાસ કાળી રોટી અને સફેદ દાલ બનાવવામાં આવે છે. જેનો પ્રસાદ ભક્તો અને સાધુ સંતોને આપવામાં આવે છે. પ્રસાદ માટે રસોડામાં તૈયારીઓ ચાલી રહી છે.
૩૦ હજાર માણસોનું રસોડું કરવામાં આવ્યું છે. જેમાં 4000 લીટર દૂધ, 1100 કિલો પૂરીનો લોટ, 1200 કિલો ચોખા, 600 કિલો ચણા, 1000 કિલો બટકા, 2000 કિલો માલપુઆ માટે, ગોળ, ઘી અને લોટ લાવવામા આવ્યો છે.