30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકારને વડોદરાનો વિકાસ ન દેખાયો! શહેરને પૂરથી 1500 કરોડનું નુકસાન

Fri, 30 Aug 2024-10:29 am,

વડોદરાને પૂરમાં લગભગ 1500 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ઘરવખરી, મકાન, દુકાન, વાહનો, ઉદ્યોગ, રિયલ એસ્ટેટ તમામને ભારે નુકસાની થઈ છે. તંત્ર દ્વારા સહાયની જાહેરાત કરાઈ છે, અને હાલ નુકસાનીનો સરવે શરૂ કરાયો છે. જોકે, લોકોને વાહનોને થયેલા નુકસાનીની કોણ ભરપાઈ કરશે. વાહનોના ઈન્સ્યોરન્સ હશે તો વાહનોને કંપની દ્વારા ક્લેમ સેટલ કરવામા આવશે.  

વડોદરામાં પૂરની સ્થિતિ બાદ અનેક નેતાઓ લોકોના ખબરઅંતર પૂછવા નીકળ્યા છે, પરંતુ પૂરની સ્થિતિને લઈને સ્થાનિક લોકોમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે, તેનો ભાગ ગુજરાત વિધાનસભાના દંડક અને MLA બાળકૃષ્ણ શુક્લા બન્યા છે અને લોકોએ તેમને રીતસરના ભગાડ્યા છે. વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે જ્યારે વડોદરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ સ્થાનિકો વચ્ચે પહોંચ્યા ત્યારે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. ધારાસભ્યને જોઈને લોકોએ બે હાથ જોડીને ,જયશ્રી રામ અહીંયાથી જાવ, પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂર નથી, તેવો હૂરિયો બોલાવ્યો હતો. લોકોનો ભારોભાર રોષ જોઈને નેતાજીએ ચાલતી પકડી હતી. હરણી વિસ્તારમાં વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલનો સ્થાનિક લોકોએ હુરિયો બોલાવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી ભગવાનને સહારે હરણી વિસ્તારના લોકો જીવી રહ્યા છે, ત્યારે આજે સફાઈ કરાવવા પહોંચેલા ધારાસભ્ય મનીષા વકીલને લોકોએ ભગાડ્યા હતા. સ્થાનિક લોકોએ અહીંથી જતા રો, તમારી કોઈ જરૂર નથી" કામ નતું કર્યું માટે મનીષાબેન વકીલ માથું નીચું કરીને નીકળી ગયા હતા.  

વડોદરાના મેયર પિન્કીબેન સોની અને તેમના જ વોર્ડના કોર્પોરેટર રાખીબેન શાહનો વિરોધ કરાયો. પૂર ગ્રસ્ત વિસ્તારમાં દૂધ અને પાણી વિતરણ કરવા ગયેલા બંને નેતાઓને લોકોએ ભગાડ્યા હતા. મેયર અને કોર્પોરેટર તેમના મતવિસ્તારના નાગરિકોના રોષનો ભોગ બન્યા હતા. લોકોએ કહ્યું, અમને દૂધ નથી જોઈતું તમે અહીંથી જાવો. અમે ભૂખ્યા હતા ત્યારે કોઈ ન આવ્યું. લોકોના વિરોધને જોતા મેયર અને કોર્પોરેટરે ચાલતી પકડી હતી. 

ગઈકાલે રાત્રે વોર્ડ 7 ના ભાજપ કોર્પોરેટર બંદીશ શાહનો પણ વિરોધ કરાયો. વડોદરામાં ભાજપ નેતાઓનો વિરોધ યથાવત છે. ત્યારે સલાટવાડા તુલસીબાઈની ચાલ ખાતે મુલાકાતે ગયેલા બંદીશ શાહને નાગરિકોએ ભગાડ્યા હતા. બંદીશ શાહનો ઘેરાવ કરી નાગરિકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો. બે દિવસથી ભૂખ્યા, તરસ્યાં રહ્યા પણ કોઇ ઝાંખવા પણ ન આવ્યું તેવું કોર્પોરેટરને મોઢે સંભળાવ્યું. પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ મુલાકાતે કોર્પોરેટર ગયા હતા. લોકોના રોષને પારખી જઈ બંદીશ શાહને સ્થળ પરથી ભાગવું પડ્યું. 

પૂરગ્રસ્ત વડોદરામાં સૌથી ખરાબ હાલત લોકોના ઘર તથા વાહનોની બની છે. 20 હજાર જેટલા ફોર વ્હીલર વાહનો તથા 1 લાખ જેટલા ટુ વ્હીલર વાહનોને નુકસાની થઈ છે. લગભગ આ આંક 1.20 લાખ આંકવામાં આવ્યો છે. જેનો નુકસાનીનો આંકડો 27 થી 38 કરોડ થાય છે. તો દુકાનોની વાત કરીએ તો 60 ટકા વિસ્તારમાં પૂરના પાણી હતી. દુકાનો અને મોલમાં પાણી ઘૂસી ગયા છે. 1 લાખ દુકાનોને કુલ 250 કરોડનું નુકસાન થયુ હોય તેવો અંદાજ છે.   

વડોદરામાં પૂરના પાણી ધીરે ધીર ઓસરી રહ્યા છે, તેના બાદ હવે ભારે તબાહીના દ્રષ્યો સામે આવ્યા છે. મોટાભાગના વિસ્તારમાંથી પાણી ઓસર્યા છે. વડસર, સયાજીગંજ, રશુરામ ભટ્ટામાંથી પાણી ઉતર્યા છે. તો કારેલીબાગ, તુલસીવાડી, ઈન્દિરાનગર હજુ પાણીમાં ગરકાવ છે.   

કોર્પોરેશને વર્ષ 2016માં ખરીદેલી સ્પીડ બોટ ધૂળ ખાધેલી હાલતમાં જોવા મળી છે. શહેરમાં પૂર સમયે લોકોના રેસ્ક્યુ તેમજ રાહત સામગ્રી પહોંચાડવાના કામ માટે 20 સ્પીડ બોટ ખરીદી હતી. પરંતું આફતના સમયે સ્પીડ બોટનો કોર્પોરેશને કોઈ ઉપયોગ જ ન કર્યો. તમામ સ્પીડ બોટ બંધ છે હાલતમાં, મશીન અને સ્પેરપાટ કોઇ કાઢી ગયું. કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલી સ્પીડ બોટ કેમ ઉપયોગમાં ન લેવાઈ તે મોટો સવાલ છે. દરજીપુરા ફાયર સ્ટેશન પાસે કરોડોના ખર્ચે ખરીદેલી સ્પીડ બોટ મૂકી રાખી છે. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે આ અંગે સવાલ ઉઠાવ્યો છે. કોર્પોરેશને લોકોના રેસ્ક્યુ માટે બહારથી બોટ મંગાવી પણ પોતાની બોટનો ઉપયોગ ન કર્યો  

પૂરની પરિસ્થિતિ વચ્ચે ખેતીના પાકોમાં વ્યાપક નુકસાન થયું છે. ડાંગર, કપાસ, મરચી, શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થયું છે. દંગીવાડા, પ્રયાગપુરા, અંગુઠણ, નારાયણપુરા જેવા અનેક ગામોમાં મોટું નુકસાન થયું છે. દર સાલ સર્વે કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોને તેનું કોઈ વળતર મળતી નથી. ઢાઢર નદીના પાણીને લઈને ખેતીના સાધનો પણ પાણીમાં તરબોળ થયા છે. છેલ્લા ત્રણ દિવસથી અને ગામોમાં વીજ પુરવઠો નથી. પાણી ઓસર્યા બાદ પણ જનજીવન થાળે નથી પડ્યું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link