ચંદ્રયાન-2 : 48 દિવસની સફર પછી ચંદ્ર પર કરશે ઉતરાણ, જાણો સંપૂર્ણ ટેક્નિકલ વિગતો
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો) દ્વારા સોમવારે બપોરે 2.43 કલાકે ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરી દેવાયું હતું. આ ચંદ્રયાન 48 દિવસની સફર પૂરી કર્યા પછી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરશે. ઈસરો તેની મદદથી ચંદ્રની સપાટી અને ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરશે. જેનો ફાયદો સંપૂર્ણ માનવજાત અને ભારતને થશે.
ચંદ્રયાન-2ને ઈસરોના જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ-માર્ક-3 (GSLV Mk III) રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું છે. અગાઉ તેને 15 જુલાઈએ લોન્ચ કરવાનું હતું, પરંતુ લોન્ચ થવાના એક કલાક પહેલા જ લોન્ચ વ્હિકલમાં આવેલી ટેક્નિકલ ખામીની જાણ થઈ જતાં લોન્ચિંગ અટકાવી દેવાયું હતું. પૃથ્વીની ભ્રમણકક્ષાની બહાર નિકળી ગયા પછી જીએસએલવી રોકેટથી ચંદ્રયાન છુટું પડી જશે અને પછી આગળની સફર એકલા હાથે કરશે. ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરશે. અહીં, તે પોતાના રોવર ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે.
ચંદ્રયાન-2ને જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ માર્ક-3 (GSLV Mk-III) દ્વારા લઈ જવામાં આવ્યું છે. GSLV Mk-III ત્રણ સ્ટેજ ધરાવતું ભારતનું સૌથી શક્તિશાળી લોન્ચ વ્હિકલ છે. આ રોકેટ 4 ટન જેટલા વજન ધરાવતા ઉપગ્રહોને જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓરબીટમાં (પૃથ્વીની ભ્રમણકક્ષા) લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
ચંદ્રયાન-2એ ભારતની એડવાન્સ એન્જિનિયરિંગ ક્ષમતામાં એક નવું છોગું ઉમેર્યું છે. ચંદ્રયાન-2નું સંપૂર્ણ નિર્માણ સ્વદેશમાં જ કરવામાં આવ્યું છે. એટલે કે, તેમાં ઉપયોગમાં લેવાયેલું સોફ્ટવેર અને ટેક્નોલોજી તમામ બાબતો ભારતીય એન્જિનિયરોની કમાલ છે. ચંદ્રયાન-2નું જે રોવર છે તેનું નિર્માણ પણ ભારતમાં જ કરવામાં આવ્યું છે અને ભારતનું પ્રથમ લેન્ડર છે જે અત્યંત 'નરમ માટી'માં પણ ચાલવા માટે સક્ષમ છે.
ચંદ્રયાન-2ના લેન્ડરનું નામ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના સ્થાપક ડો. વિક્રમ એ. સારાભાઈના નામના આધારે 'વિક્રમ' રાખવામાં આવ્યું છે. તે એક ચંદ્ર દિવસ(પૃથ્વીના 14 દિવસ) સુધી કાર્યરત રહે એ રીતે તૈયાર કરાયું છે. વિક્રમ લેન્ડર બેંગલુરુની નજીકમાં આવેલા બયાલાલુ ખાતે આવેલા ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક(IDSN) સાથે અને તેના ઓર્બીટર તથા પ્રગ્યાન રોવર સાથે પણ સંપર્કમાં રહેશે.
લોન્ચિંગના સમયે ચંદ્રયાન-2 ઓર્બીટર બયાલુ ખાતેના ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) અને વિક્રમ લેન્ડર સાથે સતત સંપર્કમાં રહેશે. ઓર્બીટરની મિશન લાઈફ એક વર્ષની છે, આ દરમિયાન તેને ચંદ્રના 100 x 100 કિમીના ધ્રૂવ પર સ્થાપિત કરવામાં આવશે.
ચંદ્રયાન-2નું રોવર 6 પૈડાં ધરાવતું રોબોટિક વ્હિકલ છે, જેને 'પ્રજ્ઞાન' નામ આપવામાં આવ્યું છે, પ્રજ્ઞાનનો સંસ્કૃત અર્થ 'જ્ઞાન' થાય છે. તે લેન્ડર સાથે સતત સંપર્કમાં રહેશે.
મિશન પેલોડમાં વિવિધ વસ્તુઓ ફીટ કરવામાં આવેલી છે. જેમાં ચંદ્રયાનની ધરતીને માપતો કેમેરો, ચંદ્રયાન-2 લાર્જ એરિયા સોફ્ટ એક્સરે સ્પેક્ટ્રોમીટર, સોલર એક્સરે મોનિટર, ઈમેજિંગ આઈઆર સ્પેક્ટ્રોમીટર, ડ્યુઅલ ફ્રિક્વન્સી સિન્થેટિક એપાર્ચર રડાર, ચંદ્રના હવામાનનો અભ્યાસ કરતું યંત્ર, ઓર્બીટર હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને ડ્યુઅલ ફ્રિક્વન્સી રેડિયો સાયન્સ એક્સપેરિમેન્ટ.
વિક્રમ લેન્ડરમાં ચંદ્રની સપાટી પર આવતા ધરતીકંપનો અભ્યાસ કરતું યંત્ર, ચંદ્રની સપાટીનું થર્મો-ફિઝિકલ અભ્યાસ કરતું યંત્ર અને લેન્ગમ્યુઈર પ્રોબ હશે. પ્રજ્ઞાન પેલોડમાં આલ્ફા પાર્ટિકલ એક્સરે સ્પેક્ટ્રોમીટર અને લેસર-ઈન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોમીટર ફીટ કરેલા હશે.