જલ્દી મળી શકે છે કોરોનાની રસી! PM મોદીએ કરી Vaccine ની સમીક્ષા, જુઓ PHOTOS
પીએમ નરેન્દ્ર મોદીએ આજે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મુલાકાત લીધી અને તેની રસી કોવિશીલ્ડના ડેવલપમેન્ટ વિશે સમીક્ષા કરી.
મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં ટીમ સાથે સારી વાત થઈ. તેઓ અત્યાર સુધીની પોતાની પ્રગતિ વિશે વિવરણ શેર કરે છે કે તેઓ રસી નિર્માણને આગળ વધારવા માટે કેવી રીતે યોજના ઘડે છે. આ સાથે જ તેમની વિનિર્માણ સુવિધાની પણ સમીક્ષા કરી.
અત્રે જણાવવાનું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ કોવિડ-19 રસી માટે વૈશ્વક દવા નિર્માતા કંપની એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે. તેઓ ફેબ્રુઆરીમાં રસી ભારતમાં લાવવાની તૈયારી કરી રહ્યા છે. પીએમ મોદીએ આ અગાઉ હૈદરાબાદની ભારત બાયોટેક અને અમદાવાદના ઝાયડસ કેડિલા પ્લાન્ટની પણ મુલાકાત લીધી.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University) અને એસ્ટ્રાજેનેકા (AstraZeneca) કંપનીએ મળીને કોરોનાની રસી તૈયાર કરી છે. આ રસીને AZD1222 નામથી તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે ભારતમાં આ રસી કોવિશીલ્ડ (Covishield)ના નામથી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ખાતે તૈયાર થઈ રહી છે.
આ મામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટી (University of Oxford) ની રસી સૌથી વધુ કારગર સાબિત થઈ રહી છે. કારણ કે એક તો તેના પરિણામ સારા આવી રહ્યા છે. બીજું તેની કિંમત અને ત્યારબાદ ઓછા તાપમાન પર સ્ટોરેજ થઈ શકવું એ તેને અન્ય રસીઓ કરતા અલગ બનાવે છે.
આ રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. રિઝલ્ટમાં બેવારના ડોઝના સામૂહિક આંકડા જોઈએ તો રસીની અસર 70.4 ટકા જોવા મળી. બે અલગ અલગ ડોઝમાં તેની અસર એકવાર 90 ટકા અને બીજીવાર તેની અસર 62ટકા જોવા મળી.
ઓક્સફોર્ડની રસીની ટ્રાયલ બે પ્રકારે થઈ છે. એક ટ્રાયલમાં ઈંગ્લેન્ડમાં પહેલા અડધો ડોઝ અને ત્યારબાદ એક મહિના પછી આખો ડોઝ આપવામાં આવ્યો. આ પ્રકારે રસી 90 ટકા પ્રભાવી જોવા મળી.
કોવિશીલ્ડની કિંમત 222 રૂપિયા ગણાવવામાં આવી રહી છે. જ્યારે ભારત બાયોટેકની રસીની કિંમત 100 રૂપિયા ગણાવવામાં આવે છે. જો કે ઝાયડસની ઝાયકોવ-ડીની કિંમત હજુ નિર્ધારિત નથી.
કોરોના વાયરસ વિરુદ્ધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટા આંદોલનની શરૂઆત કરી દીધી છે. સ્વદેશી રસીથી કોરોના વાયરસનો અંત થશે. પીએમ મોદીએ સૌથી પહેલા મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક કરી. ત્યારબાદ સ્વદેશી રસીની સમીક્ષા કરી. કહેવાય છે કે રસીના વિતરણ માટે જલદી બ્લ્યુ પ્રિન્ટ તૈયાર થઈ જશે.
પીએમ મોદીએ આજે શરૂઆત અમદાવાદની ઝાયડસ કેડિલા કંપનીના પ્લાન્ટ સાથે કરી હતી. જ્યાં કંપની દ્વારા બનાવવામાં આવેલી ઝાયકોવ-ડી વેક્સીન (Corona Vaccine) નું પ્લાન્ટમાં નિરીક્ષણ કર્યું હતું. ઝાયડસ કેડિલા (zydus cadila) ના ચેરમેન પંકજ પટેલ એમડી શર્વિલ પટેલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. જેના બાદ પીએમ મોદીએ વેક્સીનનું ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. મુલાકાત બાદ તેઓ અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા.
સૌપ્રથમ તેમણે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી અને ત્યારબાદ તેઓએ હૈદરાબાદના ભારત બાયોટેક ફેસિલિટીની મુલાકાત લઈને ત્યાં બની રહેલી કોવેક્સિનના ડેવલપમેન્ટની સમીક્ષા કરી. ભારત બાયોટેકની રસીનું નામ કોવેક્સિન છે. અહીંથી તેઓ પુણે જવા રવાના થઈ ગયા હતા.