કોરોના સંક્રમણ બાદ સાજા થયેલા લોકો પર આ વેક્સીન છે 7 ગણી અસરકારક
ભારતમાં કોરોના મહામારી ઝડપથી પોતાનો પગ પેસારો કરી રહી છે. તેના પર કાબુ મેળવવા માટે ભારત સરકાર પણ વેક્સીનેશન ઝડપથી કરી રહી છે. આ વચ્ચે આ રિસર્ચ સામે આવ્યુ છે, જેમાં ફાઈઝર વેક્સીનને વધુ સફળ માનવામાં આવી રહી છે. જે લોકો કોરોના સંક્રમિત થયા છે અને તેમનો જીવ બચી ગયો છે, તેમના શરીરમાં ફાઈઝરની વેક્સીન ખુબજ અસરકારક સાબિત થઈ રહી છે.
ફાઈઝર વેક્સીન સામાન્ય વ્યક્તિ જે કોરોના સંક્રમિત નથી. તેની સરખામણીએ સંક્રમણથી સ્વસ્થ થયેલા વ્યક્તિના શરીરમાં 7 ગણી વધારે એન્ટીબોડી બનાવી રહી છે. ખાસ વાત એ છે કે, માત્ર એક જ ડોઝમાં એન્ટીબોડી ત્રણ ગણી વધારી રહી છે.
ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડ, શેફીલ્ડ, લિવરપૂલ, ન્યૂકેસલ અને બર્મિધમ વિસ્તારમાં વેક્સીન લઈ ચુકેલા લોકો પર સંશોધન કરવામાં આવ્યું. આ સંશોધન દરમિયાન સામે આવ્યું કે, ફાઈઝરની વેક્સીન તે લોકો પર ઘણી સારી રીતે કામ કરે છે. જે પહેલા કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. ફાઈઝર વેક્સીનનો એક ડોઝ સામાન્ય વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા બે ડોઝ બરાબર કામ કરે છે.
ડેલીમેઇલના સમાચાર અનુસાર, આ રિસર્ચ ટીમમાં સામેલ વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યું છે કે, ફાઈઝર વેક્સીન કોરોનાના અન્ય સ્ટ્રેનની સરખામણીએ સારી રીતે કામ કરી રહી છે. તેમને આશા વ્યક્ત કરી છે કે, ફાઈઝર વેક્સીનથી કોરોનાના સાઉથ આફ્રિકી સ્ટ્રેનને રોકી શકાય છે. જે હાલ કોરોનાના નવા સ્ટ્રેનમાં સૌથી વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે.
આ રિસર્ચ ઇંગ્લન્ડના 237 હેલ્થ વર્કર્સ પર કરવામાં આવ્યું, જેમાં મોટાભાગે મહિલાઓ છે. આ રિસર્ચમાં એન્ટીબોડી અને ટી સેલ્સ બંને પર જાણકારી મેળવવામાં આવી છે. ટી-સેલ્સ તમારી ઇમ્યૂન સિસ્ટમમાં હાજર તે સબ્સ્ટેન્સ છે, જે કોરોના વાયરસને દૂર કરે છે. તેના વધવાનો મતલબ છે કે, તમારા શરીરમાં કોરોના વાયરસને લઇને મજબૂત પ્રતિરક્ષા ક્ષમતા છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માઇલ્સ કેરોલે એમ પણ કહ્યું હતું કે લોકોએ વેક્સીનના બંને ડોઝ લેવા જોઈએ, કારણ કે હજી સુધી તે સાબિત થયું નથી કે વેક્સીનનો માત્ર એક જ ડોઝ પૂરતો છે. તેમણે કહ્યું કે, વેક્સીનનો બીજો ડોઝ તમારી સુરક્ષાના સમયને વધારે છે. એટલે કે, વધારે સમય તમારા શરીરને એન્ટીબોડી બનાવી રાખે છે. (તસવીર: રોયટર્સ)