રામ મંદિર બનતું જોઈને હરખાયા શબરીના વંશજો : ડાંગથી રામ લલ્લાને ખાસ ભેટ ધરાવાશે
ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે દંડકારણ્ય એવા ડાંગ જિલ્લામાં પ્રભુ શ્રી રામ, ભ્રાતા લક્ષ્મણના માં શબરી સાથેના મિલનની ઐતિહાસિક ઘડીને યાદ કરી રહ્યું છે. તેથી શબરીના વંશજો બોર અને ધનુષ બાણ લઈને અયોધ્યા જશે. નવ દિવસ ચાલનાર 1008 કુંડીય યજ્ઞમાં આ લોકો સામેલ થનાર છે.
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું મંદિર ખાતે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે સૌ કોઈ તેના શાક્ષી બનવા જઈ રહ્યા છે. આવામાં દંડકારણ્ય તરીકે જાણીતો અને રામાયણ કાળ સાથે સંકળાયેલો ડાંગ જિલ્લો પણ સાક્ષી બનશે. જેની વાત કરીએ તો, રામાયણ કાળમાં સીતાજીની શોધમાં વન પરિભ્રમણ કરતા પ્રભુ શ્રી રામ, અને ભ્રાતા શ્રી લક્ષ્મણને માતા શબરીએ સુબિર પાસેના ચમક ડુંગર નામક સ્થળે બોર ખવડાવ્યાની લોકવાયકા છે. તેથી શબરીધામ પ્રત્યે ભાવિક ભક્તો ખૂબ શ્રદ્ધા ધરાવે છે.
હાલ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ લલ્લાના ભવ્ય મંદિરમાં રામ લલ્લા બિરાજમાન થનાર છે. તેમજ પ.પૂ.શ્રી રામભદ્રાચાર્યજી મહારાજના 75 માં જન્મ દિવસ નિમિતે માતા શબરીના વંશજો પુર્વ કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીની આગેવાનીમાં અયોધ્યા પોંહચશે અને ત્યાં બોર અને ધનુષ બાણ અર્પણ કરશે.
સાથે જ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલા 9 દિવસ યોજાનાર 1008 કુંડીય યજ્ઞમાં સામેલ થશે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનતા શબરીના વંશજોની પણ ખુશીનો પાર રહ્યો નથી.