₹300 અને ત્રણ ખુરશીવાળી ઓફિસથી ઉભું કર્યું અબજોનું એમ્પાયર, જાણો 10 પાસ વ્યક્તિની સફળતાની કહાની
ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 સપ્ટેમ્બર 1933ના રોજ ગુજરાતના એક નાના શહેરમાં થયો હતો. પિતા શિક્ષક હતા અને માતા ગૃહિણી. બે રૂમના મકાનમાં પાંચ ભાઈ-બહેન સહિતનો આખો પરિવાર રહેતો હતો. તેમણે નાનપણથી જ પોતાના પરિવારને મદદ કરવા માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. ધીરુભાઈએ એક લારી પર ગાંઠિયા વેચવાનું શરૂ કર્યું અને જે કંઈ કમાણી થતી તે તેમની માતાને આપી દેતા હતા. જ્યારે તેઓ 10મું પાસ થયા ત્યારે તેઓ તેમના ભાઈ રમણીકલાલને મળવા યમન ગયા. ત્યાં પેટ્રોલ પંપ પર નોકરી કરી. આખા દિવસના કામ માટે તેમને 300 રૂપિયાનો પગાર મળતો હતો. તેમને નોકરીમાં રસ નહોતો. તે પોતાનું કામ જાતે કરવા માંગતા હતા. આ વિચાર સાથે તે ભારત પરત ફર્યા.
તેમની પાસે બચત તરીકે માત્ર 500 રૂપિયા હતા, જેને લઈને તેઓ મુંબઈ પહોંચ્યા. તેમણે તેમના પિતરાઈ ભાઈ ચંપકલાલ દિમાણી સાથે મળીને રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન કંપની શરૂ કરી. આ કંપનીની મદદથી તે પશ્ચિમી દેશોમાં આદુ, હળદર અને અન્ય મસાલા વેચતા હતા. ધીરુભાઈને બજાર અને માંગની સારી જાણકારી હતી. તે સમજી ગયા હતા કે આગામી દિવસોમાં પોલિએસ્ટર કપડાની માંગ વધવાની છે. તેણે હવે તેના પર ભાર આપવાનું શરૂ કર્યું.
ધીરુભાઈ અંબાણીએ મુંબઈમાં 350 ચોરસ ફૂટનો રૂમ ભાડે લીધો હતો. ઓફિસમાં એક ટેબલ અને ત્રણ ખુરશી સિવાય કંઈ જ નહોતું. આ નાના રૂમમાંથી તેણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સફર શરૂ કરી. મસાલાની સાથે પોલિએસ્ટરના કપડાં પર પણ કામ શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 1966 માં તેમણે ગુજરાતના અમદાવાદમાં કાપડની મિલ શરૂ કરી. તેનું નામ રિલાયન્સ ટેક્સટાઈલ હતું. ધીમે ધીમે તેણે ધંધો વિસ્તારવાનું શરૂ કર્યું.
ધીરુભાઈ ધંધાની દરેક ટ્રિક જાણતા હતા. એકવાર તેણે આરબ દેશના એક શેખને ભારતીય માટી વેચીને પૈસા કમાયા. જોકે શેખને તેના બગીચામાં ગુલાબ ઉગાડવા હતા, જેના માટે તેમને ફળદ્રુપ જમીનની જરૂર હતી. ધીરુભાઈ અંબાણીએ કોન્ટેક્ટ્સ દ્વારા ભારતથી અરબ શેખને માટી મોકલી હતી. બદલામાં શેખે તેમને મોંઢે માંગી કિંમત ચૂકવી. ધીરુભાઈ અંબાણીનો બિઝનેસ વધવા લાગ્યો. કંપની ટેક્સટાઇલ સેક્ટરમાં મોટું નામ બનાવા લાગી. ટેક્સટાઇલ ઉપરાંત, કંપનીએ ટેલિકોમ્યુનિકેશન, ટેલિકોમ ઇંફોર્મેશન, ઊર્જા, વીજળી રિટેલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂડી બજાર અને લોજિસ્ટિક્સમાં વિસ્તરણ કર્યું છે.
ધીરુભાઈ અંબાણીએ સ્વતંત્ર ભારતનો પ્રથમ આઈપીઓ લોન્ચ કરવાનું નક્કી કર્યું. તે સમયે 10 રૂપિયાના શેરની કિંમતે 2.8 મિલિયન શેરનો IPO ઓફર કરવામાં આવ્યો હતો. તે સમયે આ શેર સાત વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો. ધીરુભાઈ અંબાણી એક તેજસ્વી ટીમ લીડર હતા. ભલે ગમે તેટલું વ્યસ્ત શિડ્યૂલ હોય, તે હંમેશા તેમના કર્મચારીઓને મળતા હતા, તેમની સમસ્યાઓ સાંભળતા અને તેનું નિરાકરણ કરતા હતા. તેમણે સાબિત કર્યું કે શૂન્યમાંથી પણ ટોચ પર પહોંચી શકાય છે. આજે તેમના પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી રિલાયન્સના બિઝનેસને આગળ લઈ જઈ રહ્યા છે.