તાજા ફાફડા અને ઘીથી લથપથ જલેબી ખાવા માટે લાઈનમાં ઉભા રહ્યાં ગુજરાતીઓ, આજે દશેરાએ ઘરે ઘરે જ્યાફત
દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાળમાં જલેબીને શાશકૌલી કહેવામાં આવતી હતી. જલેબીની વાત તો જાણી? હવે સવાલ થાય કે ફાફડા જ કેમ ખવાય છે સાથે.. કારણ એ છે કે જલેબી ખૂબ ગળી હોય છે, જલેબી ખૂબ ગળી હોય છે જે એકલી ખાઈ શકાતી નથી. ખાસ કરીને ગુજરાતમાં ગળ્યા સાથે ફરસાણ ખાવાની પરંપરા છે, વર્ષો પહેલા આ રીતે જલેબી સાથે ફાફડા ગોઠવાઈ ગયા. આ રીતે જ દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ અને તે હજી જળવાઈ રહી છે.
અમદાવાદમાં આજે દશેરા પર્વની ઉજવણી પર ફાફડા જલેબી ખરીદવા સ્વાદ રસિયાઓ ઉમટ્યા છે. ફરસાણના વેપારીઓને ત્યાં ફાફડા જલેબી ખરીદવા લાંબી લાઈન જોવી મળી છે. દશેરાના દિવસે ફાફડા જલેબીનું સૌથી વધુ વેચાણ થાય છે. આજના દિવસમાં અમદાવાદીઓ લાખો રૂપિયાના ફાફડા જલેબીની આનંદ માણશે. જલેબી અને ફાફડા બંનેના ભાવમાં પ્રતિ કિલોના 40 થી 50 રૂપિયાનો વધારો આવ્યો છે.
વડોદરામાં દશેરા નિમિત્તે ફાફડા જલેબી ખરીદવા લોકોની લાંબી લાઈન લાગી છે. એક કલાક લાઈનમાં ઊભા રહી લોકો ફાફડા જલેબીની જ્યાફત ખાઈ રહ્યાં છે. એક કિલો ફાફડાનો ભાવ 440 રૂપિયા પહોંચ્યા છે. તો એક કિલો જલેબીનો ભાવ 520 રૂપિયા છે. તો સુરતમાં ફાફડા જલેબી માટે મોડી રાતથી લોકો મંડી પડ્યા છે.
હેલ્થ એક્સપર્ટના મતે સપ્ટેમ્બર-ઓકટોબરમાં બે ઋતુ ભેગી થાય છે. આ સમયે હવામાનમાં ફેરફાર થતો હોય છે. ઘણા લોકોને માઈગ્રેનની સમસ્યા રહેતી હોય છે. બે સિઝન ભેગી થવાથી શરીરમાં સિરોટોરિન નામનું તત્વ ઘટી જાય છે અને માઈગ્રેન થાય છે.ગરમાગર જલેબીમાં ટિરામાઈન નામનું તત્વ હોય છે જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કાબૂમાં રાખે છે. પરિણામે માઈગ્રેન થતું નથી તેથી દશેરામાં જલેબી ખાવામાં આવે છે.