જયંતિ ભાનુશાળી પર 5 રાઉન્ડ ફાયરિંગ થયું હતું, ટ્રેનના કોચની તસવીરો જોઈને અરેરાટી થશે
ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને વખોડી છે. આ હત્યા મામલે SITની રચના કરવામાં આવી છે. કેસની તપાસ સીઆઈડી અને ATS દ્વારા કરવામાં આવશે. આ બાજુ જે કોચમાં તેઓ સવાર હતાં તેમાંથી 3 કારતૂસ મળી આવ્યાં છે. તેમના પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 2 ગોળી તેમને વાગી હતી.
મૃતક જયંતિ ભાનુશાળીના પત્નીએ આ હત્યાનો સીધો આરોપ છબીલ પટેલ પર લગાવતા કહ્યું કે આ બધુ તેણે જ કરાવ્યું છે. ગુનેગાર એ જ છે. મારા પતિને તેણે જ મરાવ્યો છે. ઝગડા ચાલતા હતાં, તેના લીધે જ આ બધુ થયું છે. આ બાજુ જયંતિ ભાનુશાળીના ભાઈ અને ડ્રાઈવરે પણ આ અંગેના આરોપ લગાવ્યાં છે.
જયંતિ ભાનુશાળીના ભાઈ શંભુભાઈએ આ હત્યા અંગે કહ્યું કે રાજકીય કારણોસર જ તેમની હત્યા કરાઈ છે. આ હત્યાનો આરોપ તેમણે છબીલ પટેલ પર લગાવ્યો છે. શંભુભાઈના કહેવા મુજબ આ અગાઉ પણ છબીલ પટેલે કહ્યું હતું કે 'હું જયંતિ ભાઈનો રાજકારણમાંથી રે કાઢી નાખીશ. આજે આ રાજકારણમાંથી તેમણે રે કાઢ્યો છે તેની પાછળ આખી ગેંગ છે.'
અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ બંને રાજકીય નેતાઓ સામે સામે આવી ગયા હતાં. જયંતિ ભાનુશાળી 1980થી કચ્છના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવતા હતાં. અબડાસાના કોઠારા ગામના તેઓ વતની હતાં.
આ સમગ્ર ઘટના મામલે જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં છે. ભાનુશાળીના પત્ની અને ભાઈ બંનેએ આ હત્યાનો આરોપ છબીલ પટેલ પર લગાવ્યો છે.
તેઓ ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2018ના જુલાઈ મહિનામાં સુરતના વરાછા વિસ્તારની એક યુવતીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે જયંતી ભાનુશાળી ફેશન ડિઝાઇનિંગના કોર્સમાં એડમિશન અપાવવાની લાલચે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. એટલું જ નહીં તેની વીડિયો ક્લિપ બનાવીને તેને બ્લેક મેલ પણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાએ ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. ભાજપે જયંતિ ભાનુશાળીનું રાજીનામું પણ માંગી લીધુ હતું.