લોકચહિતા લોકગાયકની વિદાય : લક્ષ્મણ બારોટના નિધનથી ભજનના એક યુગનો આજે અંત આવ્યો
ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટનુ નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોક વ્યાપી ગયો છે. ભજનોની દુનિયામાં લક્ષ્મણ બારોટ નામ બહુ પ્રસિદ્ધ હતું. તેઓ ગુજરાત સહિત દેશ અને દુનિયામા ભજન માટે જાણીતા હતા. ભજનીક નારાયણ સ્વામી તેમના ગુરૂ હતા. આજે સવારે 5 વાગ્યે લક્ષ્મણ બારોટે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
મુળ જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા, પરંતુ ભગવાને તેમને સૂરીલા અવાજની ભેટ આપી હતી. ભજનોમાં પોતાના અનોખા અંદાજથી દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા. ભજનીક લક્ષ્મણબારોટ અને તેમના પત્નીએ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી. અહી તેઓએ આશ્રમ બનાવ્યો હતો.
લક્ષ્મણ બારોટે પ્રસિદ્ધ ભજનીક નારાયણ સ્વામી પાસે તાલીમ મેળવી હતી અને પરંપરાગત ભજનોને તેમણે લોકપ્રિય બનાવ્યા હતા. હે ઓઢાજી, શ્યામ વિના વ્રજ સૂનું લાગે, આલમની અસવારી, જીવ તું શાને ફરે છે ગુમાનમાં જેવા પ્રસિદ્ધ ભજનો તેમનાં કંઠે ગવાય ત્યારે શ્રોતાઓ ભાવવિભોર બની જતા હતા.
પોતાના ગુરુ નારાયણ સ્વામી ઉપરાંત પ્રાણલાલ વ્યાસથી માંડીને કીર્તિદાન ગઢવી એમ દરેક પેઢીના ટોચના કલાકારો સાથે તેમણે સંગત કરી હતી. પ્રસિદ્ધ ભજનીકે પોતાની આવકની સખાવત કરીને ભરુચ જિલ્લાના ઝગડિયા ખાતે શક્તિ ભજન આશ્રમપીઠની સ્થાપના કરી હતી.
આ ઉપરાંત પરંપરાગત ભજનોના સંશોધન માટે પણ તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. કચ્છ ખાતેના આશ્રમમાં લક્ષ્મમ બારોટની અંતિમવિધિ કરાશે.