વરસાદ અને ઠંડી અંગે ઘાતક આગાહી! ફરી ભેગું થશે ચોમાસુ અને શિયાળો, ગુજરાતીઓ પર મોટી ઘાત
Gujarat Rinfll Update: ગુજરાતના અલગ અલગ ભાગમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જિલ્લાઓમાં વરસાદે ઉભા પાકનો વિનાશ વેર્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવા સહિત કેટલાક વિસ્તારમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજની વહેલી સવાર અમદાવાદીઓની કડાકા ભડાકાના અવાજથી જ પડી હતી. અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
નૈઋત્યના ચોમાસાની વિદાય 5 ઓક્ટોબર સુધીમાં થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે સામાન્ય કરતાં દસ દિવસ વધુ ચોમાસુ ચાલ્યું હતું. હવામાન વિભાગ અનુસાર દેશભરમાંથી 14 ઓક્ટોબરે નૈઋત્યના ચોમાસા એ વિદાય લીધી હતી, પરંતુ તેમ છતાં હજુ પણ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે, બંગાળની ખાડીમાં પૂર્વ મધ્યમાં તથા ઉત્તર આંદામમાન દરિયામાં પણ તેની અસર જોવા મળશે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ આગામી દિવસોમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.
જેનું કતર દ્વારા દાના નામ આપવામાં આવ્યું છે. આ પછી સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરશે. જ્યારે 24 તારીખે સવારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં જે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારાની નજીક છે ત્યાં કેન્દ્રીયભૂત થશે. જેના કારણે હવામાન બદલાયું છે. આ વર્ષે લા નીનાની અસરને કારણે ચોમાસું સામાન્ય કરતાં લાંબુ ચાલ્યું છે અને હજુ સુધી પણ અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો હોવાથી તાપમાન અને બફારાનું પ્રમાણ પણ વધુ રહેવાથી ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે.
આ પરિસ્થિતિ હજુ પણ 5 નવેમ્બર સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ધીમેધીમે શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થશે. રાજ્યમાં આ વર્ષે સિઝનમાં સરેરાશ કરતા 43 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન વાઈઝ વરસેલા વરસાદની વાત કરીએ તો કચ્છ ઝોન 188 ટકા, સૌરાષ્ટ્ર ઝોન 157 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 148 ટકા,. પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 135 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 116 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આજે અમદાવાદમાં સૌથી વધુ વરસાદ એસજી હાઇવે, ગોતા, સાયન્સસિટી, સોલા, ઓગણજ, એસપી રીંગ રોડ, જોધપુર, સેટેલાઈટ, શિવરંજની, આનંદનગર, પ્રહલાદનગરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે બોડકદેવ, વસ્ત્રાપુર, બોપલ, ઘુમા, શીલજ, થલતેજ, શ્યામલ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પાલડી, વાસણા, આશ્રમરોડ, ઉસ્માનપુરા, નવાવાડજ, રાણીપ, ચાંદખેડ, જગતપૂર, ન્યુ રાણીપ, નરોડા, કોતરપુર, સરદારનગર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ લો પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરીને 22 તારીખની સવાર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જ્યારે 23 તારીખે સિસ્ટમ વધુ મજબૂત બનીને એક બંગાળની ખાડીની મધ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે. 24 તારીખે જ્યારે ઓડિશા અને પશ્ચિમ બંગાળ દરિયાકાંઠાની આસપાસ જ્યારે આ (સિસ્ટમ) કેન્દ્રીયભૂત થશે ત્યારે પવનની ગતિ વધીને 100-120 થશે જે એક અતિ ભારે સાઈક્લોનિક સ્ટોર્મ દરમિયાનની પવનની ગતિ હોય છે. આજથી મધ્ય બંગાળની ખાડીમાં તેની અસરો જોવા મળશે. ધીરે-ધીરે તેની સ્થિતિ વધારે ગંભીર બનશે અને 25 તારીખ સુધી તે યથાવત રહેશે. માટે માછીમારોને 25 તારીખ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે.
ગુજરાતમાં ભરૂચથી માંડીને અંકલેશ્વર, રાજપીપળા સહિત તમામ જિલ્લાઓમાં 22 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં પણ 22 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતાઓ છે. કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે અને એકલ દોકલ વિસ્તારોમાં વરસાદ આવે તેવું અનુમાન છે. હાલ અરબ સાગરમાં કોઈ વાવાઝોડું બને તેવા સંકેતો નથી. બંગાળની ખાડીમાં થોડા દિવસમાં એક વાવાઝોડું બની શકે છે. જો આ બને તે સીધું જ ગુજરાતને અસર નહીં કરે. પરંતુ જો એ મહારાષ્ટ્રના દરિયા કિનારે આવે તો ફરીથી 26થી લઈને 30 તારીખ સુધીમાં માવઠાના વરસાદ ફરીથી થઈ શકે છે.
અમદાવાદ શહેરમાં સવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસદા સિંધુભવન રોડ પર આયોજીત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના સ્થળ પર પાણી ભરાયા હતા. આ ઉપરાતં અહીં ઉભા કરવામાં આવેલા મંડપને અને ડેકોરેશનને પણ નુકસાન પહોંચ્યું હતું. દિવાળીને હવે દસ દિવસ જ આડા રહ્યા છે ત્યારે વેપારીઓ સારા ધંધાની આશા છે એવા જ સમયે વરસાદે વેપારીઓની ચિંતા વધારી છે. શહેરના બોપલ વિસ્તારમાં સનસીટી પાસે મુખ્ય રોડ પર ઝાડ પડ્યું હતું જેના કારણે રોડ પરથી અવરજવર કરતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આમ હવામાન વિભાગમાં ફેરફારની અસર હવે ગુજરાતમાં જોવા મળી રહી છે.