ગોળ ગધેડાના મેળાના Photos જોઈને મજા આવશે, ગોળ માટે લીસા થડ પર ચઢ્યા યુવકો

Tue, 14 Mar 2023-10:00 am,

હોળીના તહેવાર બાદ દાહોદના જેસાવાડા ગામે આદિવાસીઓનો પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવ્યો. જેમાં યુવતીઓના સોટીઓના મારા વચ્ચે પણ યુવકો હિંમત દાખવી ગોળ મેળવે છે. આ પરંપરાગત મેળામાં ગામની વચ્ચે સેમળાના ઝાડની ટોચ પર ગોળ મૂકવામાં આવે છે. ત્યારે આસપાસના ગામના યુવકો અને યુવતીઓ આ ઝાડના થડની આસપાસ ફરી નૃત્ય કરે છે. જેમાં કુંવારા યુવકો ગોળ લેવા માટે ઝાડ પર ચડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમને રોકવા માટે યુવતીઓ તેમના પર સોટીઓ વરસાવે છે. તેમ છતા કોઈ યુવક માર સહન કરી ઝાડ પરથી ગોળની પોલીસ લેવામાં સફળ થાય તો તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો મોકો મળે તેવી પરંપરા હતી. પરંતુ હાલ માત્ર મનોરંજન માટે જ આ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમા મોટી સંખ્યામાં લોકો આ મેળાનો આનંદ લેવા માટે ઉમટતા હોય છે.

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને ખુબજ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો તહેવાર માનવતા હોય છે. આદિવાસીઓ માટે હોળી એટલે દિવાળી. આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી જ હોય છે. એમાંની જ એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો. દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે.

આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ અનોખા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવે છે. અનેક આદિવાસી યુવકો હાથોમાં ઢોલ લઈને નીકળી પડતા હોય છે. ગામની વચ્ચો વચ્ચ એક સીમળાનાં ઝાડનું થડ રોપેલું હોય છે, જેને લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાંખવામાં આવે છે અને તેની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાડવામાં આવે છે. આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ સિમળાના ઝાડના થડની આજુબાજુ ઢોલ નગારા સાથે ફરે છે અને આદિવાસી નૃત્ય કરે છે.  

હાથોમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે અને ઉભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે. જોકે આ રીતે ઢોલ વગાડીને નૃત્ય કરવાનું કેટલાય કલાકો સુધી ચાલે છે અને ત્યાર બાદ શરુ થાય છે. ખરો ખેલ ગામના કુંવારા યુવકો કરે છે. સિમળાના ઝાડના થડની આજુ બાજુ ગોઠવાઈ જાય છે અને યુવતીઓ પણ હાથોમાં સોટીઓ લઈને આ યુવકોને ઘેરી લે છે. જો કોઈ પણ યુવક આ થડ પર ચઢવાનો પ્રયાસ કરે કે તરત જ યુવતીઓ સોટીઓનો અસહ્ય મારો ચલાવે છે અને તેમ છતાંય જો કોઈ યુવક ટોચ પર ચડીને ગોળની પોટલી મેળવી લે તો તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો મોકો મળે છે.

ગામના રહેવાસી ચંદ્રભાણસિંહ કટારા કહે છે કે, જોકે હાલ આ પ્રથા રહી નથી, પરંતુ વર્ષો પહેલા જે કોઈ યુવક ગોળની પોટલી લેવામાં સફળ નીવડે તે ગામની કોઈપણ યુવતી સાથે લગ્ન કરી શક્તો હતો. હાલ તો ગોળ ગધેડાનો મેળો માત્ર મનોરંજન પુરતો જ રહ્યો છે.

આમ તો ગોળ ગધેડાનો મેળો રાજા રજવાડાઓના જમાનાથી જ ચાલતો આવે છે. કારણકે એવી માન્યતા છે કે કોઈ વિરલો જ આટલી સોટીઓના માર વચ્ચે આ થડની ટોચ પર પહોચી શકે છે અને તે પોતાની પત્નીને તથા પરિવારને રક્ષણ આપી શકે છે. માટે આજે પણ આ વર્ષો જૂની પરંપરાને ટકાવી રાખવા માટે આ ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવે છે. જોકે આજે આ મેળો પોતાની જૂની અને આગવી પરંપરાઓ ભૂલી ગયો છે. પરંતુ આજે પણ આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી અહિયાં ઉમટી પડે છે.

આજે આદિવાસી પરંપરાઓ ભૂલાઈ જવાની આરે છે ત્યારે આ પ્રકારના આયોજનથી ભાવી પેઢી પણ આધુનિકતાની દોડમાં પોતાની પરંપરા ના ભૂલે તેના માટે જ આવા આયોજનો થવા યોગ્ય પણ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link