વર્લ્ડ રેકોર્ડ Photos : 2000 રાજપૂત દીકરીઓએ એકસાથે કર્યા તલવાર રાસ
428 વર્ષ પહેલા જામનગરના ધ્રોલમાં આવેલ ભૂચર મોરી મેદાનમાં 30 હજાર રાજપૂત વીરો શહીદ થયા હતા, અને યુદ્ધમાં જામનગરે ઐતિહાસિક જીત મેળવી હતી. ભૂચર મોરીના મેદાનમાં થયેલા યુદ્ધમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે હવે વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. જય ભવાનીના નાદ સાથે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આવનારી પેઢીને રાજપૂતોના શૌર્યની ગાથ ઉજાગર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમ વિશે અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના પ્રમુખ દશરથ બા પરમારે જણાવ્યું કે, આજે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 2 હજાર રાજપૂત મહિલાઓનું નામ સામેલ થયું છે. જામનગરના ધ્રોલમાં આ જગ્યા પર જ 30 હજાર રાજપૂત વીર શહીદ થયા હતા. 28 વર્ષથી વીરોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીં યોજાય છે.
આજે જામનગરના ધ્રોલમાં આવેલા ઐતિહાસિક ભૂચર મોરી રણમેદાનમાં બે હજારથી વધુ રાજપૂત સમાજની દીકરીઓએ તલવાર રાસ રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું... રાજપૂત જામનગર પોલીસ વિભાગની પ્રખ્યાત રાસ મંડળીના અનુભવી પોલીસ કર્મચારીઓએ રાજપૂત સમાજની 2 હજાર દીકરીઓને તલવાર રાસની ખાસ તાલીમ આપી છે. અખિલ ગુજરાત રાજપુત મહિલા સંઘ આયોજિત આ કાર્યક્રમમાં યુદ્ધમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે... ઈતિહાસમાં દર્જ આ ઐતિહાસિક વીરગાથા મુજબ ઈસવીસન 1592માં આઠમના દિવસે ધ્રોલ પાસે ભૂચર નામના રાજપૂતનું ધણ ભરવાડો ચારતા હતા. ત્યાં ભૂચર મોરીનું યુદ્ધ ખેલાયું હતું. ગુજરાતના સૂબા મીરઝા અઝીઝ કોકાએ જામનગર ઉપર આક્રમણ કર્યું ત્યારે જામસાહેબ સતાજીનું સૈન્ય દગાબાજીનો ભોગ બન્યું. જે બાદ લડાઈ એવી કટોકટીએ પહોંચી કે હાથે મીંઢોળ બાંધેલું હોવા છતાં પાટવીકુમાર અજાજી જાનૈયાઓ સાથે લડવા નીકળ્યા હતા. લડતાં લડતાં તેમના ઘોડાએ મીરઝા અઝીઝ કોકાના હાથી ઉપર તરાપ મારી. યુદ્ધમાં ઘેરાઈ જતાં રાજકુંવર વીરગતિ પામ્યા. જે બાદ નવોઢા રાણી ભૂચર મોરીના મેદાનમાં સતી થયાં હતાં. ત્યારથી લઈને આજ સુધી જાડેજા કુટુંબ એ સતીની દેરીનું પૂજન કરે છે.