ગુજરાત તરફ આવી રહ્યું છે મોટું જોખમ! આ વિસ્તારોમાં તૂટી પડ્યો વરસાદ, વલસાડનો દરિયો તોફાની

Fri, 21 Jun 2024-7:32 pm,

વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય કરાઈ છે. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. NDRF ની ટિમ દ્રારા વલસાડના લો-લેવલના વિસ્તારો તથા તિથલ બીચની મુલાકાત લેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ઉપવાસમાં ભારે વરસાદ અને જો લો લેવલના વિસ્તારમાં પાણી ભરાય તો વહેલી તકે NDRF દ્રારા કઈ રીતે ત્યાંના લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે એ માટે તમામ લો લેવલના વિસ્તારોની મુલાકાત લેવાઈ હતી. સાથે ત્યાંના લોકો સાથે વાતચીત કરી પુર સમયે કઈ રીતે જાનમાલ બચાવી શકાય એ માટે માહિતી અપાઈ હતી. 

અગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર્ના તમામ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ પડી શકે છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ 40/45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના તમામ ભાગોમાં વરસાદી માહોલ જામશે.

ભાવનગર શહેર સહિત જિલ્લામાં  વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે ઝરમર વરસાદ વરસ્યો છે. શહેરમાં સામાન્ય વરસાદને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જિલ્લાનાં મહુવા અને જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તળાજા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. અમુક તાલુકામાં વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ભાવનગર જિલ્લાનાં પાલીતાણા શહેર સહિત પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલીતાણાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. હસ્તગીરી, જાળીયા, માળિયા, ડુંગરપુર, જીવાપુરમાં પણ વરસાદનું આગમન થયું છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. માઢિયા, સનેશ, કાળા તળાવ, ખેતા ખાટલી, પાળીયાદ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાવનગરના જેસર તાલુકાનાં ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ છે. મોરચુપણા, બોદાનાનેસ, સાતણાનેસમાં વરસાદી માહોલ જામ્યો છે. કંદમગીરી, ભંડારીયા, વડાલ, અયાવેજ સહિત ગામડાઓમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. જેસરના ગ્રામ્ય પંથકમાંઅને ઉપરવાસ પડેલા ભારે વરસાદનાં કારણે નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે.

બોટાદ શહેરમાં બપોર બાદ ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે પવન સાથે વરસાદ વરસ્યો છે. શહેરનાં તમામ વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતો અને શહેરીજનોમાં આનંદનો માહોલ છવાયો છે. પાળીયાદ રોડ, જ્યોતિગ્રામ સર્કલ, ભાવનગર રોડ, હવેલી ચોક સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link