આંધી-તોફાન અને વરસાદે ગુજરાતના આ જિલ્લામાં તારાજી સર્જી, અનેક ગામોમાં ઘરના પતરા ઉડાડયા
બીજી બાજુ જોઈએ તો હવે લોકોના મનમાં એક સવાલ ચાલી રહ્યો છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે? આ વર્ષે ચોમાસુ સામાન્ય તારીખના 1 દિવસ પહેલાં કેરળમાં પહોંચી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે. જ્યારે 19થી 30 જૂન સુધીમાં તે ગુજરાતમાં પહોંચશે. ચોમાસામાં આ વર્ષે સારો વરસાદ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દેશમાં આ વર્ષે કેટલા ટકા વરસાદ થશે?. કયા રાજ્યમાં ક્યારે ચોમાસું શરૂ થશે?
આંધી-તોફાન અને કમોસમી વરસાદે ડાંગમાં તારાજી સર્જી છે. ચક્રવાતે ડાંગના અનેક ગામોમાં ઘરના પતરા ઉડાડયા તો શાળાના મકાનને પણ નુકસાન પોંહચાડ્યુ. માવઠાથી થયેલાં નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવા લોકો માંગણી કરી રહ્યા છે. ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ચાર દિવસથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતા વધી રહી છે.
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના શિવારીમાળ ગામમાં ભારે પવન ના કારણે આદિવાસી પરિવારના 100થી વધુના ઘરોના પતરા ઉડી જતાં ભારે નુકસાન થયું છે, જ્યારે અમુક ઘરો ભારે વાવાઝોડાને કારણે ધ્વસ્ત થઈ જતાં ગરીબ આદિવાસી પરિવારને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો.
આદિવાસી પરિવારોનો ઘરનો સામાન અને અનાજ ઘરના કાટમાળમાં દબાઇ જઈ બગડી જતાં ગરીબ આદિવાસી પરિવાર બે ઘર બની જતાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડાંગમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને કારણે ડાંગના ભેંસકાત્રી, ચિચોંડ, શિવારીમાળ, સોનગીર, સાકરપાતળ, નાનાપાડા, ટેકપાડા સહિત અનેક ગામોમાં ભારે પવને આદિવાસી પરિવારોના ઘરોને નુકસાન પહોંચાડયું. ડાંગના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બળવંત દેશમુખે વિડિઓ વાયરલ કરી દાતાઓને આદિવાસી પરિવારોને મદદ કરવા જણાવ્યું છે.
રાજ્ય હવામાન ખાતાએ ગુરુવારે આગાહી કરી હતી કે 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદ ,બનાસકાંઠા, પાટણ ,મહેસાણા ,દાહોદમાં વરસાદની આગાહી કરેલી છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.