અંબાલાલ પટેલે ગ્રહો જોઈને કરી વધુ એક આગાહી : આગામી 48 કલાકમાં જળબંબાકાર થશે ગુજરાત
અંબાલાલ પટેલે આગાહી કરી કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં આ સિસ્ટમ મજબૂત બનશે અને ગુજરાતના કેટલાક ભાગોને જળબંબોળ કરી નાંખશે, એવું મારું માનવું છે. વાતાવરણની સાનુકૂળતા અને ગ્રહો-નક્ષત્રો પ્રમાણે પણ વરસાદની સિસ્ટમ જણાઇ આવે છે.
અંબાલાલ પટેલે વધુમાં કહ્યુ કે, અગામી ૪૮ કલાકમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષીણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ રહેશે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો રાજકોટના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે.
ગુજરાતમાં વરસાદ વિશે આગાહી કરતા તેમણે કહ્યું કે, આગામી 48 કલાકમાં કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠાના ભાગો પાટણના ભાગો અરવલ્લી, સાબરકાંઠાના ભાગો અને મેહસાણાના ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અમદાવાદના ભાગો સુધી તેમજ સૌરાષ્ટ્રના ભાગો લીંબડીથી લઈને ચોટીલાના ભાગોમાં વરસાદ થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. તો નર્મદાના ઘણા ભાગોમાં વરસાદ વધુ થતા નર્મદા નદી બે કાંઠે વહેતી થશે. તેમજ સાબરમતી નદીમાં પણ આવરો આવશે.
અપડેટ અનુસાર, રાજ્યના 207 જળાશયોમાં 39.97% પાણી સંગ્રહ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.85% પાણી છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 31.45% પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 33.41% પાણી સંગ્રહ થયુ છે. તો કચ્છના 20 ડેમમાં 48.48 ટકા પાણીનો જથ્થો છે.
સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 20.75% પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં ધીમે ધીમે પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવર ડેમમાં 51.61% પાણી સંગ્રહ થઈ ગયો છે. આ ઉપરાંત કચ્છના 4 અને સૌરાષ્ટ્રનો 1 ડેમ છલોછલ પાણીથી ભરાયા છે.