Happy New Year 2025: ન્યુઝીલેન્ડ બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ધામધુમથી નવા વર્ષનું કરાયું સ્વાગત, સિડની-મેલબર્ન સહિતના શહેરો આતશબાજીથી ઝળહળી ઉઠ્યા
ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું છે. સિડની, મેલબર્ન અને બ્રિસ્બેન જેવા મોટા શહેરોમાં અદભૂત આતશબાજી અને ઉજવણીથી શહેરો ઝળહળી ઉઠ્યા. સિડનીના હાર્બર બ્રિજ પર ખાસ આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર વિશ્વમાં જોવા મળ્યું હતું. હવે જાપાન અને દક્ષિણ કોરિયામાં નવા વર્ષની રાહ શરૂ થઈ ગઈ છે. બન્ને દેશોમાં રાત્રે 8.30 વાગ્યે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવશે.
ન્યુઝીલેન્ડે 2025નું શાનદાર સ્વાગત કર્યું છે, ત્યારે બીજી તરફ વિશ્વ 2024ને અલવિદા કહેવાની તૈયારી કરી રહ્યું હતું. તે ઉજવણીનો સમય હતો કારણ કે ન્યુઝીલેન્ડ એ નવા વર્ષમાં સૌપ્રથમ સ્થાન છે અને અહીંના લોકો નવા વર્ષના આગમનને ખાસ બનાવવા માટે હંમેશા ઉત્સાહિત હોય છે.
ન્યુઝીલેન્ડમાં 2025નું સ્વાગત માટે ઓકલેન્ડના સ્કાય ટાવર ખાતે અદભૂત આતશબાજી જોવા માટે હજારો લોકો એકઠા થયા હતા. આ ફટાકડાઓએ સમગ્ર આકાશને રંગીન બનાવી દીધું અને નવા વર્ષની ઉજવણી શરૂ કરવામાં આવી.
ઓકલેન્ડનું સ્કાય ટાવર અને તેની આસપાસના પહાડો નવા વર્ષની ઉજવણીનું વિશેષ કેન્દ્ર બન્યા હતા. સુંદર આતશબાજીની મજા માણવા લોકો ઊંચા સ્થળોએ પહોંચ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર ખાતે નવા વર્ષની ઉજવણી જોવા માટે 10 લાખથી વધુ લોકો એકઠા થશે. આતશબાજી સાથે બ્રિટિશ પોપ સ્ટાર રોબી વિલિયમ્સનું લાઈવ પરફોર્મન્સ હશે.
ન્યુઝીલેન્ડે 2025નું સ્વાગત કરીને સમગ્ર વિશ્વને ખુશી અને આશાનો સંદેશ આપ્યો છે. આ નવું વર્ષ બધા માટે નવી તકો અને ખુશીઓથી ભરેલું હોય એવી આશા સાથે ન્યુઝીલેન્ડે પ્રેરણાદાયી શરૂઆત કરી છે. આ વર્ષ આપણા બધા માટે સારું અને ખુશહાલ રહે.