PICS: 65 વર્ષના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ બ્રિટિશ યુવતી સાથે કર્યા બીજા લગ્ન
હરીશ સાલ્વેની જેમ કેરોલિનના પણ આ બીજા લગ્ન છે. 56 વર્ષની કેરોલિન બ્રિટિશ કલાકાર છે અને તેની એક પુત્રી પણ છે. હરીશ સાલ્વે અને કેરોલિનના આ લગ્ન લંડનના એક ચર્ચમાં થયા. લગ્નના નાનકડા સમારોહમાં ફક્ત 15 ખાસ લોકો જ સામેલ થયા હતા. જેમાં બંને પરિવારના કેટલાક લોકો અને વિશેષ મહેમાન હતા.
મુંબઈ મિરરના એક રિપોર્ટ મુજબ હરીશ સાલ્વે જણાવે છે કે 'કેરોલિન એક આર્ટિસ્ટ છે, મારી તેમની મુલાકાત એક આર્ટ ઈવેન્ટ દરમિયાન થઈ હતી. હું ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો અને તે મારો સહારો બની. અમારા બંને વચ્ચે થિયેટર અને ક્લાસિકલ મ્યુઝિકને લઈને વાત થતી હતી.' સાલ્વેએ બે વર્ષ પહેલા જ ખ્રિસ્તિ ધર્મ અપનાવ્યો છે, આથી આ લગ્ન લંડનના એક ચર્ચમાં ખ્રિસ્તિ ધર્મના રિતિ રિવાજ પ્રમાણે થયા.
હરીશ સાલ્વે એક મરાઠી પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતા એનકેપી સાલ્વે વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. તથા માતા અંબૃતિ સાલ્વે ડોક્ટર હતા. પરંતુ હરીશ સાલ્વેએ પરિવારથી અલગ વકીલ બનવાનું નક્કી કર્યું. તેમણે પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીના હાથ નીચે કામ કર્યું. વકિલાતમાં તેમની કેરિયર ગજબની રહી છે. તેમણે અનેક હાઈ પ્રોફાઈલ કેસ લડ્યા અને જીત્યા. જેમાં કુલભૂષણ જાધવ, રતન તાતા-સાયરસ મિસ્ત્રી વિવાદ, સલમાન ખાનનો હિટ એન્ડ રન કેસ, વોડાફોનનો ટેક્સ વિવાદ જેવા મોટા કેસ સામેલ છે.
સાલ્વેએ પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવનો ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પક્ષ રજુ કરવા માટે ફક્ત એક રૂપિયો ફી લીધી હતી. બ્રિટન અને વેલ્સની કોર્ટો માટે પણ હરીશ સાલ્વેને ત્યાંના મહારાણીના વકીલ તરીકે નિયુક્ત કરાયા છે. આ પદ ફક્ત એવા વકીલોને મળે છે જેમણે વકિલાતમાં મહારાથ હાંસલ હોય છે.