Photos : ગુજરાતના આ મંદિરમાંથી દરેક પરિણીત સ્ત્રી કંકુ લઈ જવાનું કદી પણ ચૂકતી નથી
દ્વારકા યાત્રાધામ અને જ્યોર્તિલિંગ સોમનાથ વચ્ચે આવેલું હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પરનું આ પ્રાચીન મંદિર આશરે 5000 વર્ષ જૂનું હોવાની વાયકા છે. કહેવાય છે કે, દ્વારકા પ્રદેશમાં રાક્ષસો ત્રાસ વધતો જતો હોય ભગવાન દ્વારિકાધીશને રાક્ષસોનો સંહાર કરવા શક્તિની જરૂર પડી હતી અને શક્તિના દાતા ભગવાન દ્વારકાધીશના કુળદેવી હરસિદ્ધિ માતાજીએ ભગવાનના હથિયાર ભાલામાં શક્તિરૂપે બિરાજમાન થયા હતા. ભગવાને રાક્ષસનો સંહાર કર્યો હતો. ત્યારબાદ ભગવાન દ્વારિકાધીશે કોયલા ડુંગર ઉપર હરસિદ્ધિ માતાજીના આ મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાની માન્યતા છે.
કોયલા ડુંગરે બિરાજતા હરસિદ્ધિ માતાજીનું એક મંદિર ડુંગરની નીચે આવેલું છે. જે 800 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર માટે કચ્છના વેપારી શેઠ જગડુશાની કથા પણ જાણીતી છે. એકવાર દુષ્કાળના સમયમાં શેઠ જગડુશાના વાહનો અહીંથી દરિયાઈ માર્ગે પસાર થતા હતા. તે દરમિયાન સમુદ્રમાં તોફાનના કારણે જગડુશાના વહાણો ડૂબી ગયા હતા. ત્યારે જગડુશાએ માતાજીને પ્રાથના કરતા જગડુશાના વહાણોને માતાજીએ ઉગારી લીધા હતા. અને શેઠ જગડુશા અને તેમનો પરિવારે કોયલા ડુંગરની નીચે મંદિરનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં આવે છે તેવું સ્થાનિક વેપારી આગેવાન દિનેશ ગિરિએ જણાવ્યું.
કોયલા ડુંગરે બિરાજતા હરસિદ્ધિ માતાજીના મંદિર આસપાસ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. આ મંદિર હાલ જામ ધર્માદા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. અહીં ભાવિકો-પ્રવાસીઓની ચલપહલ બારેમાસ રહેતી હોવાથી તે યાત્રાધામ તરીકે પ્રખ્યાત છે. ગૃહિણીઓ પોતાના સોભાગ્યના લાંબા આયુષ્ય માટે પણ અહીં દર્શને આવે છે. અહીથી કંકુ લઈ જઈ પોતાના માથામાં સેંથો પૂરે છે. અહી આવતી દરેક પરિણીત સ્ત્રી અહીથી કંકુ લઈ જવાનું કદી ચૂકતી નથી.
કોયલા ડુંગર ઉપર હરસિદ્ધિ માતાજીનાં દર્શન કરવા માટે 650 જેટલા પગથિયા ચઢવા પડે છે. હાલ પ્રવાસન વિભાગ દ્વારા પણ મંદિરના વિકાસ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તો જામસાહેબ બાપુ દ્વારા પણ અહી નવ નિર્મિત મંદિર બનાવવામાં આવી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
એવું માનવામાં આવે છે કે હરસિદ્ધિ માતાજી સવારની આરતીમાં હર્ષદ ખાતે સાક્ષાત બિરાજેલા હોય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. તેમજ સાંજની સમયની આરતી વખતે વિક્રમ રાજાને આપેલા વાયદા મુજબ તેઓ ઉજ્જૈન ખાતે સાક્ષાત પધારે છે.