દ્વારકામાં મેઘો મંડાયો: મોટા આસોટામાં આભ ફાટ્યું, આખુ ગામ બેટમાં ફેરવાયું
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ત્રણ દિવસથી દ્વારકામાં ધીમીધારનો વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટામાં આભ ફાટ્યું છે. એક જ કલાકમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે.
ગામમાં ક્યારેય પાણી આવતું નહિ પરંતુ એક કલાકમાં પડેલા વરસાદના કારણે ગામના બજારોમાં નદી વહેતી થઈ છે. ખેડુતોના ગાડાં, બજારમાં રાખેલા વાહનો પણ તણાયા છે.
જો કે મોટા આસોટામાં આભ ફાટતા ગામમાં જ્યાં જુઓ ત્યાં તમને પાણી જ પાણી દેખાઇ રહ્યાં છે. ગામના માર્ગો પર ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા છે. ત્યારે આહીર સમાજ વાડીની દીવાલ પણ ધારશાયી થઇ છે.
તો બીજી તરફ ગ્રામજનોના ઘરોમાં તેમજ દુકાનોમાં પણ પાણી ભરાઇ ગયા છે. જેના કારણે ગ્રામજનોનું ઘરમાંથી બહાર નીકળવું મશ્કેલ બન્યું છે. એટલું જ નહીં ભેંસો, બાઇક અને કાર પણ તણાઇ ગઇ છે.
જો કે, યાત્રાધામ દ્વારકામાં ઝરમર વરસાદ બાદ એકાએક વરસાદનું જોર વધતા સમગ્ર પંથકમાં પાણી ભરાઇ ગયા છે. તેમજ મંદિરના પ્રાંગણમાં પાણી પાણી જોવા મળ્યા છે. ભારે વરસાદને કારણે મંદિરે આવતા શ્રદ્ધાળુંઓનું ચાલવું મુશ્કેલ બન્યુ છે.