અમેરિકાના દર્દનાક અકસ્માતની તસવીરો, જેમાં ગુજરાતીઓના થયા છે મોત, કાળજું કંપી ઉઠશે
અમેરિકાની ધરતી ભારતીયો માટે સલામત નથી રહી. અમેરિકામાં ગુજરાતીઓની સપનાની નગરી છે, પરંતુ આ ધરતી અનેક ગુજરાતીઓના જીવ લઈ રહી છે. ત્યારે અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓનાં મોત નિપજ્યા છે.
મૃતક ત્રણેય મહિલાઓ મૂળ આણંદ જિલ્લાની વતની છે. તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદીને ઝાડ સાથે અથડાઈ હતી. ઓવરસ્પીડના કારણે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાના સાઉથ કેરોલીનાનાં ગ્રીનવિલેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આણંદ જિલ્લાની મૂળ રહેવાસી મહિલાઓ, જે અમેરિકામાં સ્થાયી થઈ હતી તેમના મોત નિપજ્યા છે.
મૃતકોમાં બે મહિલાઓ વાસણા (બો) ગામની છે, તો એક મૃતક મહિલા કાવીઠા ગામની મૂળ વતની છે. તો આ અકસ્માતમાં ગાડીમાં સવાર વધુ એક વાસણા ગામની મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે.
રેખાબેન દિલીપભાઈ પટેલ વાસણા (બો)નું મોત, સંગીતાબેન ભવનેશભાઈ પટેલ વાસણા (બો)નું મોત, મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ. કાવીઠાનું મોત
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મહિલાઓ કારમાં સવાર થઈને એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કોરોલીના જઈ રહી હતી, ત્યારે વચ્ચે આ અકસ્માત નડ્યો હતો. કાર ઓવરસ્પીડમાં હોવાને કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
અકસ્માતને પગલે અમેરિકન પોલીસ દોડતી થઈ હતી. તો બીજી તરફ, ગોઝારી ઘટનાને લઈને વાસણા (બો)અને કાવીઠા ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.