પાટણ ચાણસ્મા હાઈવે મરણચીસોથી ગુંજ્યો, દિવાળીની ખરીદી કરવા નીકળેલા ઠાકોર પરિવારના 4 સભ્યોના અકસ્માતમાં મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ ચાણસ્મા હાઈવે પર રામગઢ પાસે અલ્ટો ગાડી નંબર GJ08 BF 2949 તથા મારુતિ સુઝુકી ગાડી નંબર GJ01KT 3680 વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બંને ગાડીઓનો ખુરદો બોલાઈ ગયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના પતિ-પત્ની તેમજ બે બાળકોના મોત નિપજ્યા છે.
ભયંકર અકસ્માત થયો કે સ્થળ પર હાજર લોકોના મન પણ હચમચી ઉઠ્યા હતા. મરણચીસોથી સમગ્ર હાઈવે ગુંજી ઉઠ્યો હતો. ઠાકોર પરિવાર અલ્ટો કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો. તે સમયે તેમને આ અકસ્માત નડ્યો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં પતિ, પત્ની અને બંને બાળકોના કરુણ મોત નિપજ્યા છે.
આ અકસ્માતમાં શંભુજી જામાજી ઠાકોર ઉંમર 35 વર્ષ), આશાબેન શંભુજી ઠાકોર (ઉંમર 32 વર્ષ), પ્રિયાબેન શંભુજી ઠાકોર (ઉંમર 10 વર્ષ) તથા વિહન શંભુજી ઠાકોર (ઉંમર 5 વર્ષ) ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.