અમેરિકા પર ત્રાટક્યું આ વર્ષનું ત્રીજું હરિકેન વાવાઝોડું, 32 લાખ ઘરમાં વીજળી ગુલ, ચારેતરફ તબાહી
મિલ્ટન ફ્લોરિડામાં ત્રાટકનાર વર્ષનું ત્રીજું વાવાઝોડું છે. તે ગુરુવારે (10 ઑક્ટોબર) ફ્લોરિડાના સિએસ્ટામાં બીચ પર અથડાયું હતું. અગાઉ તે કેટેગરી 5 નું વાવાઝોડું હતું. અથડામણ સમયે તે કેટેગરી 3 બની ગઈ હતી. તોફાનના કારણે અમેરિકાની નેશનલ વેધર સર્વિસે 126 ટોર્નેડોની ચેતવણી જારી કરી હતી.
હરિકેન મિલ્ટનને કારણે આવેલા ટોર્નેડો અને પૂરે અમેરિકામાં તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે ફ્લોરિડામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. તે જ સમયે, લગભગ 30 લાખ ઘરો અને ઓફિસોમાં વીજળી નથી. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર તોફાનના કારણે 120 મકાનો ધરાશાયી થયા છે.
વાવાઝોડું હિલ્સ બોરો, પાઇનેલાસ અને સારાસોટા કાઉન્ટી પર ત્રાટકતાં લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરાઇ હતી. રોડ પર વૃક્ષો તુટી પડતાં, પુલો બંધ થઇ જતાં અને વીજળીના તારો પાણીમાં હોવાથી લોકોને કોઇ જોખમ ન લેવાની ચેતવણી આપવામાં આવી છે.
હરિકેન હેલેને પખવાડિયા અગાઉ ફલોરિડામાં વેરેલાં વિનાશમાંથી લોકો હજી ઉભર્યા નથી ત્યાં મિલ્ટન ત્રાટકતા લોકોની હાલત કફોડી બની છે. હેલેન વાવાઝોડામાં 230 લોકોના મોત થયા હતા. ફલોરિડાની 11 કાઉન્ટીઓમાં સત્તાવાળાઓએ ફરજિયાત સ્થળાંતરના આદેશો આપ્યા છે. આ કાઉન્ટીઓમાં 60 લાખ લોકો વસે છે. હેલેને વેરેલી તારાજીને કારણે સર્જાયેલા ભંગારને દૂર કરવા રાજ્ય અને સ્થાનિક તંત્રો હજી મહેનત કરી રહ્યા છે.
મિલ્ટનને કારણે સેન્ટ્રલ ફ્લોરિડામાં 10-15 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે પૂર આવ્યું. યુએસ કોસ્ટ ગાર્ડે ગુરુવારે મેક્સિકોના અખાતમાં ફસાયેલા એક વ્યક્તિને બચાવી લીધો હતો. તે લાઈફ જેકેટ અને કુલરની મદદથી પાણીમાં પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
અમેરિકામાં હરિકેન મિલ્ટને તબાહી મચાવી છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર ફ્લોરિડામાં જોવા મળી છે. અહીં લગભગ 20 લાખ લોકો પોતાનું ઘર છોડીને બીજે ક્યાંક ચાલ્યા ગયા છે. જ્યારે 4,300 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હરિકેન મિલ્ટન ફ્લોરિડાના પશ્ચિમ કિનારે ત્રાટક્યું છે.
વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફ્લોરિડામાં ઘણી મોટી ઈમારતો પત્તાના ડેકની જેમ પથરાયેલી જોવા મળે છે. વાવાઝોડા પછી, એવી ઘણી તસવીરો સામે આવી છે જેમાં અમેરિકન ઘરોની છત સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે અને ઘરોની અંદરની વસ્તુઓ અહીં-તહીં વિખરાયેલી છે.
તોફાન બાદ ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે ફ્લોરિડાના ઘણા વિસ્તારોમાં મગર અને સાપ પણ જોવા મળ્યા છે. દરમિયાન, ફ્લોરિડા સરકારે લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરી છે. સરકારે લોકોને પોતાને સુરક્ષિત રાખવા વિનંતી કરી છે.
યુએસ પ્રશાસનનું કહેવું છે કે તોફાન વીતી ગયા પછી પણ તૂટેલા વીજ વાયર અને કાટમાળને કારણે હજુ પણ ખતરો છે. અમેરિકાના ઈતિહાસમાં આ છઠ્ઠી વખત થઈ રહ્યું છે, જ્યારે એક વર્ષમાં ત્રણ વાવાઝોડા ફ્લોરિડામાં ત્રાટક્યા છે.