IND vs AUS: 30 વર્ષ બાદ ફરી ટીમ ઈન્ડિયાએ કર્યું ઈતિહાસનું પુનરાવર્તન, બનાવ્યો ગજબનો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો વચ્ચે પ્રથમ 5 વિકેટ માટે 50 રન અથવા તેનાથી વધુની ભાગીદારી થઈ છે. ભારતીય ટીમના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર બીજી વખત જોવા મળ્યું હતું જ્યારે પ્રથમ 5 વિકેટ માટે 50 રન કે તેથી વધુની ભાગીદારી થઈ હતી.
અમદાવાદ ટેસ્ટમાં પ્રથમ 5 વિકેટ માટે 1 સદીની ભાગીદારી અને 4 અડધી સદીની ભાગીદારી જોવા મળી હતી. શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારા વચ્ચે બીજી વિકેટ માટે સદીની ભાગીદારી થઈ હતી.
તમને જણાવી દઈએ કે 1993 પછી પહેલીવાર ભારતીય ટીમે પ્રથમ 5 વિકેટ માટે 50 રન અથવા તેનાથી વધુની ભાગીદારી નોંધાવી હતી. 1993માં મુંબઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ જોવા મળી હતી.
અમદાવાદ ટેસ્ટમાં રોહિત શર્મા અને શુભમન ગીલે પ્રથમ વિકેટ માટે 74 રન જોડ્યા હતા, જ્યારે શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારાએ બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી.
ગિલ અને વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે 58 રન, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ચોથી વિકેટ માટે 64 રન અને વિરાટ કોહલી અને કેએસ ભરતે પાંચમી વિકેટ માટે 84 રન ઉમેર્યા હતા.