IPL: રાજસ્થાનથી લઈને ચેન્નઈ સુધી, આ ટીમોએ આઈપીએલનું ટાઇટલ જીતીને રચ્યો ઈતિહાસ
રાજસ્થાન રોયલ્સ (2008): ટૂર્નામેન્ટનું પ્રથમ ટાઇટલ રાજસ્થાન રોયલ્સે પોતાના નામે કર્યું છે. રાજસ્થાનની ટીમે ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સને 3 વિકેટથી પરાજય આપીને રોમાંચક મુકાબલામાં જીત મેળવી હતી. ચેન્નઈની ટીમે રાજસ્થાનની સામે 164 રનનો લક્ષ્ય રાખ્યો હતો, જેને રાજસ્થાને 3 વિકેટ બાકી રહેતા હાસિલ કરી લીધો હતો. પરંતુ ત્યારબાદ રાજસ્થાન એકપણ વખત ચેમ્પિયન બની શક્યું નથી.
ડેક્કન ચાર્જર (2009): વર્ષ 2009ની આઈપીએલ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી અને આ સિઝનમાં ડેક્કન ચાર્જર ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. ડેક્કન ચાર્જરે ફાઇનલ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 6 રને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ડેક્કન ચાર્જરે 20 ઓવરોમાં 143 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોર માત્ર 137 રન બનાવી શક્યું હતું.
ચેન્નઈ સુપર કિંગ્સ (2010): આઈપીએલની ભારતમાં વાપસી થઈ ફરી એકવાર ફેન્સને નવો ચેમ્પિયન મળ્યો. આ વખતે ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે બાજી મારી અને ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પ્રથમ વખત ટાઇટલ કબજે કર્યું. ફાઇનલમાં ચેન્નઈએ મુંબઈને 22 રને પરાજય આપ્યો હતો. ચેન્નઈની ટીમે 20 ઓવરમાં 168 રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈ માત્ર 146 રન બનાવી શક્યું હતું.
ચેન્નઈ સુપર કિંગ્સ (2011): વર્ષ 2011માં એમએસ ધોનીની ચેન્નઈએ ફરી કમાલ કર્યો અને સતત બીજીવાર ટ્રોફી પોતાના નામે કરી. આ વખતે ચેન્નઈએ ફાઇનલમાં બેંગલોરને હરાવ્યું હતું. ફાઇનલમાં ચેન્નઈએ 20 ઓવરોમાં 205 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરની ટીમ 147 રન પર ઢેર થઈ ગઈ હતી.
કોલકત્તા નાઇટરાઇડર્સ (2012): આખરે શાહરૂખ ખાનની કોલકત્તા નાઇટ રાઇડર્સની જીતનો ઇંતજાર પૂરો થયો અને ટીમે ગૌતમ ગંભીરની આગેવાનીમાં ઈતિહાસ રચી દીધો. આ સાથે કોલકત્તાએ સતત ત્રીજીવાર ચેન્નઈના ટ્રોફી જીતવાના સપના પર પાણી ફેરવી દીધું હતું. ફાઇનલમાં કોલકત્તાએ ચેન્નઈને પાંચ વિકેટે હરાવ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સ (2013): વર્ષ 2013 રોહિત શર્મા અને તેની ટીમ માટે શાનદાર રહ્યું. રોહિતની આગેવાનીમાં મુંબઈએ પ્રથમ વખત ટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી. મુંબઈની સાથે ફરી ચેન્નઈની ટીમ હતી. પરંતુ મુંબઈએ આ મેચમાં ચેન્નઈ સામે 23 રને વિજય મેળવ્યો હતો.
કોલકત્તા નાઇટરાઇડર્સ (2014): આ વખતે ફરી શાહરૂખ ખાનને નાચવાની તક મળી અને કોલકત્તાએ પોતાનું બીજું ટાઇટલ જીત્યું. આ વખતે પણ કોલકત્તાને ચેમ્પિયન બનાવ્યું ગૌતમ ગંભીરે. કોલકત્તાએ ફાઇનલમાં કિંગ્સ ઇલેવન પંજાબને પરાજય આપ્યો હતો. પંજાબે 20 ઓવરોમાં 199 રન બનાવ્યા હતા. જવાબમાં ખૂબ રોમાંચક મેચમાં કોલકત્તાએ અંતિમ બોલ પર મેચ જીતી લીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ (2015): આ વર્ષ ફરી મુંબઈ ઈન્ડિયન્સ માટે ખુશી લઈને આપ્યું અને ટીમ બીજી વખત આઈપીએલમાં વિજેતા બની. ટીમે ફાઇનલમાં ચેન્નઈને હરાવ્યું. રોહિતની આગેવાનીમાં મુંબઈએ આઈપીએલને સૌથી વધુ વખત જીતવાના મામલામાં ચેન્નઈ અને કોલકત્તાની બરોબરી કરી લીધી. ફાઇનલમાં મુંબઈએ ચેન્નઈને 41 રનથી હરાવ્યું હતું.
સનરાઇઝર્સ હૈદરાબાદ (2016): આ વખતે આઈપીએલમાં ડેવિડ વોર્નરને જલવો જોવા મળ્યો અને તેણે પોતાની ટીમને શાનદાર જીત અપાવી. હૈદરાબાદને ફાઇનલમાં બેંગલોરને 8 રને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સ (2017): વર્ષ 2017ના અત્યંત રોમાંચક ફાઇનલમાં મુંબઈએ પૂણેને હરાવીને ત્રીજી વખત ટ્રોફી પર કબજો કર્યો. આ સાથે રોહિતની આગેવાનીમાં મુંબઈ સૌથી વધુ વખત આઈપીએલની ટ્રોફી જીતનારી ટીમ બની ગઈ.
ચેન્નઈ સુપર કિંગ્સ (2018): આઈપીએલ સિઝન-11નું ટાઇટલ ધોનીની આગેવાનીમાં ચેન્નઈએ જીત્યું હતું. ચેન્નઈએ હૈદરાબાદને ફાઇનલમાં 8 વિકેટથી પરાજય આપીને આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. હૈદરાબાદે ચેન્નઈને જીતવા માટે 176 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નઈએ વોટસનની સદીની મદદથી 8 વિકેટે વિજય મેળવ્યો હતો.