ભારતમાં બુલેટ ટ્રેન હવે દૂર નથી! ગુજરાતમાં 12 બ્રિજ તૈયાર છે, જુઓ લેટેસ્ટ તસવીરો
Indias first bullet train: નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ગુજરાતમાં બુલેટ ટ્રેન કોરિડોર માટે 12 નદી પુલ બનાવીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ જણાવ્યું હતું કે ગુજરાતના નવસારી જિલ્લામાં ખરેરા નદી પર 120 મીટર લાંબો પુલ તાજેતરમાં પૂર્ણ થયો છે. આ સાથે 12 બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતના 352 કિમી અને મહારાષ્ટ્રના 156 કિમી વિસ્તારને આવરી લે છે. મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતી જેવા કુલ 12 સ્ટેશન બનાવવાની યોજના છે.
અગાઉ, NHSRCL એ નવસારીના સિસોદરા ગામમાં સ્થિત નેશનલ હાઈવે (NH) 48 પર 210 મીટર પ્રેસ્ટ્રેસ્ડ કોંક્રીટ (PSC) પુલને પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. સ્પેન-બાય-સ્પાન (એસબીએસ) પદ્ધતિનો ઉપયોગ કરીને હાઇવે પર બાંધવામાં આવેલો આ બીજો PSC સંતુલિત કેન્ટીલીવર બ્રિજ છે.
આ બ્રિજમાં 72 પ્રીકાસ્ટ સેગમેન્ટ અને ચાર સ્પાન છે. બે સ્પાન 40 મીટરના છે અને અન્ય બે 65 મીટરના છે. બીજી તરફ હાઈવેની બંને બાજુ ટ્રાફિકના માર્ગો છે.
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ મુંબઈ અને અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ચલાવવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. NHSRCL દ્વારા સફળતાપૂર્વક બાંધવામાં આવેલા 12મા પુલની લંબાઈ 120 મીટર છે.