IPL: RCB સહિત 4 ટીમો બદલશે પોતાના કેપ્ટન! રેસમાં ધૂરંધર ખેલાડીઓ, જાણો કોનું કપાઈ શકે પત્તું?
રોહિત શર્માને હટાવીને ગત વર્ષે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને તે 10માં નંબરે રહી હતી. આમ છતાં એવું લાગતું હતું કે ફ્રેન્ચાઈઝી હાર્દિક પર ભરોસો રાખશે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી બધુ જાણે બદલાઈ ગયું છે. સૂર્યકુમાર યાદવ ટી20માં ભારતીય ટીમનો કેપ્ટન બન્યો છે. આવામાં તેની દાવેદારી મજબૂત બની જાય છે. હવે જોવાનું એ રહેશે કે ફ્રેન્ચાઈઝી આ વખતે કોને ટીમમાં કાઢે છે. જો હાર્દિકને કેપ્ટન બનાવશે તો રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહમાંથી કોઈ એકને બહારનો રસ્તો દેખાડી શકે છે. પરંતુ હાર્દિકનું પત્તું કપાય તો સૂર્યકુમાર યાદવ મુંબઈ ટીમનો કેપ્ટન બની શકે છે.
લખનઉ સુપર જાયન્ટ્સ પણ કેપ્ટન બદલવા પર વિચાર કરી રહી છે. લખનઉના કેપ્ટન કે એક રાહુલ ટીમથી અલગ થઈ શકે છે. તેઓ કોઈ બીજી ટીમ સાથે જોડાઈ શકે છે. ફ્રેન્ચાઈઝી અને રાહુલ વચ્ચે સંબંધ હવે પહેલા જેવા નથી રહ્યા. ગત સીઝનમાં મેદાન પર જ ટીમના માલિક સંજીવ ગોયંકા અને રાહુલ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. લખનઉની નજર રોહિત શર્મા પર છે. જો મુંબઈની ટીમ તેમને રિટેન ન કરે તો લખનઉ રોહિત શર્માને ખરીદવા માટે મોટી રકમ ખર્ચી શકે છે.
દૈનિક જાગરણના એક રિપોર્ટ મુજબ દિલ્હી કેપિટલ્સની ફ્રેન્ચાઈઝી ઋષભ પંતથી ખુશ નથી. ટીમ એ વાત પર વિચાર કરી રહી છે કે પંતને રિટેન કરવો કે નહીં. જો કે ટીમના ડાયરેક્ટર સૌરવ ગાંગુલીનો સાથ પંતને મળ્યો છે. તેઓ પંતને કેપ્ટન બનાવી રાખવાનું સમર્થન કરે છે. હવે જોવાનું એ રહેશે કે દિલ્હીની ટીમ પંતને કેપ્ટન બનાવી રાખે છે કે પછી બહાર કરે છે. લખનઉની જેમ દિલ્હીની ફ્રેન્ચાઈઝી પણ રોહિત શર્માને ઘણા પસંદ કરે છે. હવે જોવાનું એ રહેશે કે હિટમેન દિલ્હી માટે રમી શકે છે કે નહીં.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આ વખતે નવા કેપ્ટનને મેદાનમાં ઉતારી શકે છે. ફાફ ડુપ્લેસિસની કેપ્ટનશીપ હેઠળ ટીમ ટ્રોફી જીતી શકી નહીં. ફ્રેન્ચાઈઝી કોઈ ભારતીય કેપ્ટન રાખી શકે છે. આવામાં કે એલ રાહુલ ટીમ માટે સારો વિકલ્પ છે. તેઓ કર્ણાટકના રહીશ છે અને અગાઉ આરસીબી માટે રમી પણ ચૂક્યો છે. વિરાટ કોહલી સાથે પણ સંબંધ સારા છે.
રિપોર્ટ મુજબ ઋષભ પંતને ચેન્નાઈ સુપરકિંગ્સની ફ્રેન્ચાઈઝી પહેલેથી ખુબ પસંદ કરી રહી છે. તે ટીમના રડાર પર છે. જો મહેન્દ્રસિંહ ધોની આગામી સીઝનમાં નહીં રમવાનો નિર્ણય લે તો ટીમ ઋષભ પંતને સામેલ કરવા પર વિચાર કરી શકે છે. ફ્રેન્ચાઈઝીની નજર હંમેશાથી દેશના ટોપ વિકેટકીપર પર રહી છે.