પાક્કા મિત્રો હતા ઈઝરાયેલ અને ઈરાન, તો પછી કટ્ટર દુશ્મનો કેવી રીતે બની ગયા? જાણીને દંગ રહી જશો

Wed, 02 Oct 2024-1:46 pm,

ઈરાને મોડી રાતે ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો. આખા ઈઝરાયેલમાં ઈમરજન્સી સાઈરનો વાગવા લાગી. હુમલા વખતે ઈરાને કહ્યું કે આ હુમલો હિજબુલ્લાના પ્રમુખ હસન નસરલ્લાહ અને હમાસના નેતા ઈસ્માઈલ હાનિયેની હત્યાનો જવાબ છે. હુમલો શનિવારે ઈઝરાયેલના એ નિવેદન બાદ થયો જેમાં પીએમ બેન્જામીન નેતન્યાહૂએ ઈરાનને સીધો પડકાર  ફેંક્યો હતો. નેતન્યાહૂએ કહ્યું હતું કે ઈરાન હોય કે મિડલ ઈસ્ટમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં અમે પહોંચી શકતા નથી. ઈરાનને ચેતવણી આપતા ક હ્યું હતું કે હુમલો કરવાનું વિચારતા પણ નહીં. હવે ઈરાનના હુમલાએ સ્થિતિ વણસી દીધી છે. ઈઝરાયેલે પણ બદલો લેવાનું નક્કી કરી લીધુ છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે આ બંને દેશો ખુબ ખુશખુશાલ હતા અને મિત્રતા હતી. ત્યારે સવાલ એ થાય તે આખરે એવું તે શું થયું કે દુશ્મન બની ગયા. 

વાત 1948થી શરૂ થાય છે જ્યારે ઈઝરાયેલ એક દેશ બન્યો હતો. ઈઝરાયેલ સામે સૌથી મોટું સંકટ માન્યતાનું હતું. મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશો સહિત અનેક દેશોએ તેને માન્યતા આપવાની ના પાડી દીધી હતી. 

તે સમયે તુર્કી બાદ ફક્ત ઈરાન જ એક એવો મુસ્લિમ દેશ હતો જેણે ઈઝરાયેલને માન્યતા આપી હતી. આમ ઈઝરાયેલ અને ઈરાન મિત્ર બન્યા હતા. 

ઈઝરાયેલ ઈરાનને હથિયાર અને ટેક્નોલોજી આપતું હતું જ્યારે તેના બદલામાં ઈરાન તેને તેલ આપતું હતું. 

સંબંધ એટલા મધુર હતા કે ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે ઈરાનના ઈન્ટેલિજન્સ સાવાકને ઓપરેશન પાર પાડવાની ટ્રેનિંગ પણ આપી. 

પરંતુ વર્ષ 1979માં ઈરાનમાં મોટો ફેરફાર આવ્યો અને ઈરાનનો આ ફેરફાર ઈઝરાયેલ માટે મુશ્કેલીઓ વધારનારો બન્યો. 

1979માં અયાતુલ્લાહ ખામનેઈની ક્રાંતિએ તસવીર બદલી નાખી. ખામનેઈએ શાહને ઉખાડી ફેંક્યા અને દેશમાં ઈસ્લામી ગણતંત્ર લાગૂ કર્યો. પોતાને રક્ષક તરીકે રજૂ કર્યા. આ સાથે જ ઈરાનના સહયોગી રહેલા અમેરિકા અને ઈઝરાયેલના સામ્રાજ્યવાદને નકારવાની યોજનાઓને અંજામ આપવાની શરૂઆત કરી દીધી. 

હાલાત બગડ્યા અને ઈઝરાયેલે અયાતુલ્લાહ સરકાર સાથે સંબંધ ખતમ કર્યા. ઈરાને ઈઝરાયેલના નાગરિકોના પાસપોર્ટને માન્યતા આપવાનું બંધ કર્યું. તહેરાનમાં ઈઝરાયેલી દૂતાવાસને પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના હવાલે કરી દીધુ. 

ઈરાન પોતાને પાવરફૂલ ઈસ્લામિક દેશ સાબિત કરવામાં લાગ્યું હતું. ઈરાને પેલેસ્ટાઈનનો મુદ્દો ઉઠાવીને ઈઝરાયેલને બધાનો દુશ્મન બનાવવાની કોશિશ કરી પરંતુ તે રંગ લાવી નહીં. પરંતુ ખામનેઈએ પેલેસ્ટાઈન મુદ્દે પોતાનો દાવો છોડ્યો નહીં. જો કે ત્યારે આજના જેવી પરિસ્થિતિ નહતી. તેનું કારણ હતું સદ્દામ હુસૈન, બંને દેશ સદ્દામ હુસૈનના ઈરાકને પોતાના માટે સૌથી મોટું જોખમ ગણતા હતા.   

બંન દેશ વચ્ચે હાલાત ત્યારે બગડ્યા જ્યારે ઈઝરાયેલને ખબર પડી કે ઈરાન એવા દેશોને હથિયાર આપે છે જે તેમના વિરોધી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો કે ઈરાન યમન, સીરિયા, અને લેબનોનને હથિયારો સપ્લાય કરે છે જેથી કરીને ત્યાંના યુવકો ઈઝરાયેલને ડરાવે ધમકાવે.   

80ના દાયકામાં પહેલું આતંકવાદી જૂથ ઈસ્લામિક જેહાદે પેલેસ્ટાઈનની માંગણીને લઈને ઈઝરાયેલને પરેશાન કરવાનું શરૂ કર્યું. ઈરાન પાછળથી તેને સપોર્ટ કરતું હતું. આ એ દોર હતો જ્યારે ઈરાને હિજબુલ્લાહને તૈયાર કર્યું. જેણે ઈઝરાયેલને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું. 

ઈઝરાયેલે સીધી રીતે આરોપ લગાવ્યો કે હિજબુલ્લાહે એવા દેશોમાં આતંકી ઘટનાઓને અંજામ આપ્યો જ્યાં કાં તો યહુદી લોકો રહેતા હતા કે પછી એમ્બેસી હતી. વર્ષ 1994માં આર્જેન્ટિનામાં થયેલા હુમલામાં 85 યહુદીઓ માર્યા ગયા હતા. ઈરાનના નેતાઓએ આ નરસંહારને જુઠ્ઠાણું ગણાવ્યું હતું. ઈરાન આટલેથી ન અટક્યું અને તેણે સ્થાનિક આતંકી સંગઠનો જોડે ઈઝરાયેલ પર હુમલો કરાવવાનું કામ કર્યું. પછી તો ઈઝરાયેલે પણ બદલો લેવાનું શરૂ કરી દીધુ. હમાસે 7 ઓક્ટોબર 2023માં ઈઝરાયેલ પર હુમલો કર્યો. જેનો જવાબ આપતા ઈઝરાયેલે ગાઝાને વેરાન કરી નાખ્યું. ત્યારથી સ્થિતિ હવે બગડી જ રહી છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link