શ્રીકૃષ્ણએ રાધારાણીને ખુબ પ્રેમ કર્યો પરંતુ લગ્ન કેમ કર્યા નહીં? જાણો તેની પાછળનું રહસ્ય
શ્રીકૃષ્ણ અને રાધાના પ્રેમની તો મિસાલ અપાતી હોય છે. રાધા કૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માના મિલન કહેવાય છે. સદીઓથી રાધા કૃષ્ણની પ્રેમ કહાની ચાલતી આવી છે. પરંતુ જ્યારે આપણે રાધા કૃષ્ણના પ્રેમની કહાની સાંભળીએ તો એ સવાલ ઉભો થાય છે કે શ્રીકૃષ્ણએ રાધા સાથે લગ્ન કેમ ન કર્યા? તેની પાછળ અનેક લોકવાયકા પ્રચલિત છે.
રાધા અને કૃષ્ણ બાળપણમાં મળ્યા હતા. મોટા થયા બાદ તેઓ ક્યારેય વૃંદાવન પાછા ફર્યા નહીં. આ સિવાય એ પણ ઉલ્લેખ નથી કે રાધાએ ક્યારેય દ્વારકાની મુસાફરી કરી કે નહીં. દક્ષિણ ભારતના પ્રાચીન ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ મળતો નથી.
એક પ્રચલિત વ્યાખ્યા મુજબ રાધાએ એકવાર કૃષ્ણને પૂછ્યું કે તેમની સાથે લગ્ન કરવા કેમ નથી માંગતા? તો ભગવાન કૃષ્ણએ રાધાને જણાવ્યું કે કોઈ પોતાના આત્મા સાથે લગ્ન કેવી રીતે કરી શકે? શ્રીકૃષ્ણનો આશય એ હતો કે તેઓ અને રાધા એક જ છે. તેમનું અસ્તિત્વ અલગ અલગ હોઈ શકે નહીં.
એવું કહેવાય છે કે રાધા શ્રીકૃષ્ણનો બાળપણનો પ્રેમ હતા. જ્યારે શ્રીકૃષ્ણ 8 વર્ષના હતા તે સમયે બંનેએ પ્રેમની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ તેઓ બંને આખી જીંદગી મળ્યા નથી. રાધા શ્રીકૃષ્ણના દૈવીય ગુણો વિશે જાણતા હતા.તેમણે જીવનભર મનમાં પ્રેમની સ્મૃતિઓ જાળવી રાખી.
બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ પૃથ્વી પર આવતા પહેલા રાધાનો એકવાર કૃષ્ણની સેવિકા શ્રીદામા સાથે વિવાદ થયો હતો. રાધારાણી ગુસ્સે ભરાયા હતા અને શ્રીદામાને રાક્ષસ તરીકે જન્મવાનો શ્રાપ આપ્યો હતો. જ્યારે શ્રીદામાએ રાધાને શ્રાપ આપ્યો હતો કે તેઓ એક માનવ તરીકે જન્મ લેશે અને પોતાના પ્રિયતમથી 100 વર્ષ માટે વિખુટા પડી જશે.
અહીં અપાયેલી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.