જાપાનના 116 વર્ષના કાને તાનાકા બન્યાં વિશ્વના સૌથી વયોવૃદ્ધ જીવિત વ્યક્તિ
કાનેનો જન્મ 2 જાન્યુઆરી, 1903ના રોજ થયો હતો. આ જ વર્ષે રાઈટ બ્રધર્સ દ્વારા વિશ્વનું સૌ પ્રથમ વિમાન ઉડાડવામાં આવ્યું હતું.
તેઓ કુમાકિચી અને કુમા ઓટાનું સાતમું સંતાન હતા. 6 જાન્યુઆરી, 1922ના રોજ તેમના 19મા જન્મદિવસના ચાર દિવસ બાદ તેમના લગ્ન હિડેઓ તનાકા સાથે થયા હતા.
એ સમયે જાપાનની પરંપરા પ્રમાણે લગ્ન પહેલા તેમણે એક બીજાને ક્યારેય જોયા ન હતા. તેમના લગ્ન જીવનમાં કુલ 5 સંતાન થયા હતા. તેમના પતિ હેડેઓ પારિવારિક વ્યવસાય 'તનાકા મોચિયા' સંભાળતા હતા. જેમાં તેઓ ચોખા, જાપાનની ઝેન્ઝાઈ નામની મિઠાઈ અને નૂડલ્સ વેચતા હતા.
1937માં બીજા સિનો-જાપાન યુદ્ધ દરમિયાન તેમના પતિ હિડેઓ સેનામાં જોડાઈ ગયા હતા. આ કારણે પારિવારિક વ્યવસાય સંભાળવાની જવાબદારી કાનેના શિરે આવી હતી. તેઓ ચોખાને પોલિશ કરવાનું, ચોખાની કેક બનાવવાનું કામ કરતા હતા. આ સાથે જ તેઓ કાનેના માતા અને પોતાનાં બાળકોની પણ સંભાળ લેતા હતા.
કાનેનો પ્રથમ પુત્ર બોબ્યુ પણ 1943માં જાપાનની સેનામાં જોડાયો હતો. જેને બીજા વિશ્વયુદ્ધમાં સોવિયત સંઘ દ્વારા બંદી બનાવી લેવાયો હતો. યુદ્ધ સમાપ્ત થયા બાદ 1947માં તે સ્વદેશ પરત આવ્યો હતો.
કાનેના જીવનમાં કોલોરેક્ટર કેન્સરનો પણ સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત તેમણે મોતિયાનું પણ ઓપરેશન કરાવ્યું છે. હાલ તેઓ ફુકુઓકામાં પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન ગાળી રહ્યા છે.
કાને સામાન્ય રીતે સવારે 6.00 વાગે ઉઠી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલી મોટી ઉંમરે પણ દરરોજ બપોરે તેઓ ગણિત શીખવા બેસે છે. સમય પસાર કરવાનું તેમનું શ્રેષ્ઠ સાધન ઓથેલો ગેમ છે. તેઓ આ ગેમના નિષ્ણાત છે અને ઘરના દરેક સભ્યને તેઓ હરાવી દે છે. એવોર્ડ સેરેમની દરમિયાન કાનેને ચોકલેટનું એક બોક્સ ગીફ્ટ તરીકે આપવામાં આવ્યું હતું. જેને તેમણે તાત્કાલિક ખોલી નાખ્યું અને તેમાંથી ચોકલેટ ખાવા લાગ્યા હતા. ત્યાર પછી તેમને જ્યારે પુછવામાં આવ્યું કે તેઓ આજના દિવસે કેટલી ચોકલેટ ખાવા માગે છે તો તેમણે કહ્યું: "100".
116 વર્ષના કાને વિશ્વના અત્યાર સુધીના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિના રેકોર્ડ કરતાં 6 વર્ષ પાછળ છે. આ રેકોર્ડ જીન લુઈસ કેલમેન્ટ(ફ્રાન્સ)ના નામે છેલ્લા 22 વર્ષથી છે. 21 ફેબ્રુઆરી, 1975ના રોજ જન્મેલા જીનનું દક્ષિણ ફ્રાન્સના આર્લ્સમાં એક નર્સિંગ હોમમાં 4, ઓગસ્ટ 1997ના રોજ નિધન થયું હતું. નિધન સમયે તેમની ઉંમર 122 વર્ષ અને 164 દિવસ હતી.
અત્યારે વિશ્વમાં સૌથી વયોવૃદ્ધ જીવિત પુરુષની શોધ ચાલી રહી છે. ચાલુ વર્ષે જ 20 જાન્યુઆરી, 2019ના રોજ જાપાનના જ મસાઝો નોનાકાનું 113 વર્ષ અને 179 દિવસની ઉંમરે નિધન થયું હતું. તેઓ વિશ્વના સૌથી વયોવૃદ્ધ જીવિત પુરુષ હતા.
વિશ્વમાં સૌથી લાંબુ આયુષ્ય ધરાવનાર પુરુષ પણ જાપાનના જ છે. જાપાનના જિરોઈમોન કિમુરાનો જન્મ 19 એપ્રિલ, 1897ના રોજ થયો હતો અને તેમનું નિધન 12 જુન, 2013ના રોજ થયું હતું. નિધનના સમયે તેમની ઉંમર 116 વર્ષ 54 દિવસની હતી.