જેની ઠુંમરે પોતાના લોહીથી પરેશ ધાનાણીને કર્યું રક્ત તિલક, PHOTOs
કોંગ્રેસે ગઈકાલે બાકી બચેલી ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યાં હતા. જેમાં રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને ઉમેદવાર જાહેર કર્યાં છે. 22 વર્ષ બાદ પરેશ ધાનાણી અને રૂપાલા વચ્ચે ચૂંટણી જંગ થવાનો હતો. 22 વર્ષ પહેલા 26 વર્ષની ઉંમરે પરેશ ધાનાણીએ રૂપાલાને હરાવ્યા હતા.
અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓની મીટીંગ મળી હતી. જેમાં પરેશ ધાનાણીને રાજકોટ બેઠક ઉપરથી નામ જાહેર થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ પ્રસંગે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે પરેશ ધાનાણીને રક્ત તિલક કર્યુ હતું. તેમણે સેપ્ટીપીનથી રક્ત કાઢીને પરેશ ધાનાણીને તિલક કર્યુ હતું. સાથે જ રાજકોટ બેઠક ઉપર પરેશ ધાનાણી નો વિજય થાય તે માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપના રૂપાલા બાદ કોંગ્રેસે પણ અમરેલીના પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે રાજકોટ બેઠક માટે પસંદગી બાદ પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, હોમ પીચ બહાર પાર્ટી સ્વાભિમાનની લડત લડવા મને પસંદ કર્યો છે. ૨૦૦૨ ના પ્રતિસ્પર્ધી સામે અલગ રણભૂમિ પર યુદ્ધ લડવાનું છે. ૧૮ આલમના લોકો સાથે મળી રાજકોટની લડત મારી સાથે લડશે.
પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું હતું કે, રાજકોટમાં ભાજપે સૌરાષ્ટ્રની બે મોટી જ્ઞાતિઓ વચ્ચે વિગ્રહ કરાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે. આ સરકારે રાજ્યના ગૌરવ સરદાર પટેલના પાટીયા સ્ટેડિયમ પરથી ઉતરવાનું કામ કર્યું છે. જે અસલી છે એ સ્વાભિમાનની લડત લડશે અને નકલી કમલમની ગોદમાં જાશે. યુદ્ધમાં સૂરવીરો માથું કપાઈ જવા છતાં ધડ સાથે લડતાં એવી લડત રાજકોટમાં લડીશું. સ્વાભિમાનની રાજકોટની લડત જીતવાનો મને વિશ્વાસ છે.