Pics : કુદરતે આ ગુજરાતીને શરીરનું એક અંગ ન આપ્યું, પણ એક ‘સુપરપાવર’ છુટ્ટા હાથે આપ્યો...
યાત્રાધામ બેટ દ્વારકામાં રહેતા ઉમેશભાઈની માત્ર ચાર વર્ષના હતા ત્યારે એક બીમારીથી તેમની આંખોની રોશની જતી રહી. ત્યારબાદ અનેક ડોક્ટર અને મંદિરોમાં ફરી વળ્યા, પણ ન તો દવા કામ લાગી, ન દુઆ. કોઈ ફેર પડ્યો નહિ. ને આંખો સદંતર બંધ થઈ ગઈ. આજે એ જ 39 વર્ષના ઉમેશભાઈ પોતાની ઇલેક્ટ્રિકની દુકાન ધરાવે છે. બેટ દ્વારકામાં રહેતા ઉમેશને માત્ર ચાર વર્ષની ઉમરે દ્રષ્ટિ ગુમાવી પડી છતા આજે એક ઇલેક્ટ્રિક ઇજનેરની જેમ ઇલેક્ટ્રિક સાધનોના રેપેરિંગ કામ કરી લોકોને અચંબામાં નાખી દે છે. ઉમેશભાઈ ખરેખર જુદી જ માટીના બનેલા છે. આંખો ગયા બાદ જરા પણ હિંમત હાર્યા વગર પોતાની આંખની અવેજીમાં કુદરતે કઈ છૂપી શક્તિ આપી છે, તેની શોધ મનોમન કરવા લાગ્યા. એ જાણ્યા બાદ તેમણે પહેલા ઘરના ઇલેક્ટ્રિક સાધનો ટ્યુબલાઈટ, પંખા અને સ્વીચ બોર્ડને ખોલીને તેની સર્કિટ ચેક કરવા લાગ્યા. બાદમાં ઇલેક્ટ્રિકનું કોઈ પણ જાતનું કામ કરવાનું શીખી ગયા.
ઉમેશભાઈ આજે કોઈ પણ વીજ ઉપકરણ જાતે રિપેર કરી દે છે. કોઈપણ તાલીમ વગર તેઓ વીજ ઉપકરણોના રિપેરીંગમાં માસ્ટર બન્યા છે, ને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. ઘરમાં માતા, પત્ની અને બે બાળકીઓ છે. ઉમેશભાઈને ત્રણ ભાઈઓ અને બે બહેનો હતી. છતાંયે આજે તેમની વૃદ્ધ માતા જણાવે છે કે, તેમના બંને દીકરાઓ નહિ પણ, ઉમેશ તેને સાચવે છે અને સારી રીતે પાલન પોષણ પણ કરી પોતાની ફરજ બજાવે છે.
ઉમેશભાઈની વધુ ખાસિયતો વિશે વાત કરીએ, તો તેમને ચાલતા ચાલતા ક્યારેય ઠોકર લાગી નથી. ઈલેક્ટ્રીક વાયરો ઉપરાંત તેઓ રૂપિયાની કિંમત પણ તરત ઓળખી લે છે. ઉમેશભાઈ બેટદ્વારકામાં પોતાની દુકાન ધરાવે છે અને આજ સુધી તેઓએ કોઈ પણ સરકારી સહાય લીધી નથી. કોઈ પાસ કે યોજનાનાં લાભો ન લઈ એક ખુદ્દારી ભર્યું જીવન જીવી રહ્યા છે.