ગુજરાતના સફેદ રણની ગુલાબી કહાણી, જે તમને સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે આશ્ચર્યમાં મૂકી દેશે

Fri, 22 Sep 2023-3:53 pm,

જેમ કહેવાય છે કે આ રણમાં અનેક રંગો છે. આ રણનો એક રંગ ગુલાબી પણ છે. વરસાદની મોસમમાં જ્યારે સાંજે સૂર્યાસ્ત થાય છે ત્યારે આકાશ ગુલાબી અને કેસરી રંગોથી ભરાઈ જાય છે. ત્યારે સફેદ રણમાં ભરાયેલા પાણી પર ગુલાબી આકાશનું પ્રતિબિંબ દેખાય છે. જેના કારણે આખું સફેદ રણ પણ ગુલાબી રણ દેખાય છે.

વિશ્વ પ્રસિદ્ધ કચ્છનો અફાટ સફેદ રણ ધરતી પર ચંદ્રનો આભાસ કરાવે છે. એક સમયે જ્યાં કોઈ પક્ષી પણ ફરકતો ન હતો ત્યાં આજે વર્ષોથી પ્રખ્યાત રણોત્સવના ચાર મહિનામાં લાખો દેશ વિદેશના પ્રવાસીઓ રણનો સફેદ રંગ જોવા આવે છે.

જો કે, હાલ ચોમાસાની ઋતુ દરમિયાન આ સફેદ રણ વહેલી સવારે અને સાંજે ગુલાબી રંગ ધારણ કરી લે છે. જેને જોતા એવું આભાસ થાય કે આ વ્હાઈટ રણ નહીં પરંતુ પિંક રણ ઓફ કચ્છ છે.અને આમેય દર વખતે રણ કે રંગ થીમ પણ રણોત્સવ યોજાતો આવ્યો છે જેમાં રણમાં અલગ અલગ રંગો જોવા મળે છે.

ગુલાબી રંગના રણ અંગે વાતચીત કરતા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ગૌરવ ચૌહાણ એ જણાવ્યું હતું કે," કચ્છના સફેદ રણમાં મીઠાના થર જોવા મળે છે.ભૂકંપના કારણે અમુક જમીનો નીચે બેસી જાય છે તો અમુક જમીન ઉપર ઉઠે છે ત્યારે રણની આસપાસ ઊંચાઈ વાળા વિસ્તારોમાંથી ચોમાસા દરમિયાન પાણી વહીને રણમાં આવે છે.   

જેમાં ખાસ કરીને કાળો ડુંગર, ખડીરના ડુંગર તેમજ રણની ઉત્તરે આવેલા પાકિસ્તાનના સિંધ પ્રદેશમાંથી આવતું આ પાણી પોતાની સાથે અનેક પ્રકારનું મીઠું લઈને આવે છે અને આ પાણીનું બાષ્પીભવન થતાં તેમાં રહેલા મીઠાના થર જામી જાય છે જ્યાર બાદ આ મીઠું સુંદર સફેદ રણનું નિર્માણ કરે છે અને આહ્લાદક વાતાવરણ સર્જાય છે."

કચ્છની સફેદ રણ પૂનમની રાતે ચંદ્રમાની જેમ ચમકી ઉઠે છે. હાલમાં ચોમાસાની સીઝનમાં આ સફેદ રણ ગુલાબી રંગનો બની ગયો છે. કચ્છી કહેવત મુજબ વરસે તો વાગડ ભલો અને કચ્છડો બારેમાસ તે જ રીતે હાલ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં વાગડ વિસ્તારની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે અને રોડ ટુ હેવન વિસ્તારના આ સફેદ રણમાં પાણી ભરાતા અલગ જ રંગો જોવા મળી રહે છે. વરસાદની ઋતુમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે વાગડના ખડીર બેટની આસપાસ આવેલું સફેદ રણ ગુલાબી અને કેસરી રંગ ધારણ કરી લે છે.

પિંક રણ ઓફ કચ્છ માત્ર ચોમાસાની સીઝનમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે વાદળોથી ઘેરાયેલા આકાશમાં કેસરી, ગુલાબી અને જાંબલી જેવા રંગો પુરાય છે ત્યારે આ રંગબેરંગી આકાશ તળે પથરાયેલા વિશાળ સફેદ રણમાં પણ તેનું પ્રતિબિંબ જોવા મળે છે જેના કારણે રણ પણ રંગો ભર્યું જોવા મળે છે.

વરસાદ દરમિયાન રણમાં ભરાયેલ પાણી સંપૂર્ણ રીતે સુકાઈ ન જતાં છીછરા પાણી નીચે સફેદ ધરતી આકાશના રંગોનું પ્રતિબિંબ દર્શાવે છે અને તેના જેવા રંગોનું જ આભાસ કરાવે છે જેને કારણે રણે જાણે ગુલાબી રંગ ધારણ કરી લીધું હોય અને રણની સુંદરતામાં વધારો થઈ ગયો હોય. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link