ધોરણ-3 માં ભણતી બાળકીનું લાઈવ મોત સ્કૂલના કેમેરામાં કેદ થયું, સીડી ચઢતા જ હાંફી ગઈ અને ઢળી પડી
અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત શંકાસ્પદ રીતે મોત નિપજ્યું છે. ધો-3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો થતાં ચેર પર બેઠીને પછી ઢળી પડી હતી. ત્યારે કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ છે. આ વિશે સેક્ટર વન જેસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે બાળકીના મોત મામલે જાણ થતા પોલીસની ટીમ સ્કૂલ પર પહોંચી હતી. પોલીસ દ્વારા હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદના બોડકદેવ વિસ્તારની ઝેબર સ્કૂલમાં વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે. આ અંગે પોલીસે શાળામાં જઇ તપાસ હાથ ધરી છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી ગાર્ગી રાણપરા નામની વિદ્યાર્થીનીનું આકસ્મિક મોત થતા શાળામાં શોકનો માહોલ છવાયો છે. કાર્ડીયેક અટેકના કારણે મોત થયું હોવાનું શાળા સંચાલકોનો દાવો છે. બાળકીને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતું સારવાર દરમિયાન મોત થયું છે.
તો બીજી તરફ, ઝેબર સ્કૂલના પ્રિન્સીપલ શર્મિષ્ઠા સિન્હાએ નિવેદનમાં જણાવ્યું કે, બાળકી ધોરણ-3 માં અભ્યાસ કરે છે. આજે સવારે શાળાએ પહોંચી એટલે તેને દુખાવો ઉપડ્યો હતો. શાળાના શિક્ષકોએ બાળકીને ખુરશી પર બેસાડી હતી. અમે 108 ને ફોન કર્યો પણ તેની રાહ ના જોઈ અને બાળકીને હોસ્પિટલ દાખલ કરી હતી. બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનાની જાણ થતા જ બાળકીના માતા પિતા મુંબઈથી આવવા રવાના થયાં છે. ગાર્ગી તુષાર રાણપરા નામની બાળકી ધોરણ 3માં અભ્યાસ કરતી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, બાળકી સીડી પર જઈ રહી હતી તે સમયે છાતીમાં દુખાવો શરૂ થયો હતો. છાતીમાં દુખાવો થતાં બાળકી સીડી પર અચાનક બેસી ગઈ હતી. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે 108 ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સ્ટફાની ગાડીમાં તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતું કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
બાળકી અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી. બાળકીના માતા પિતા અત્યારે મુંબઈ છે, જેથી તેમને જાણ કરવામાં આવી છે. એડમિશન લેતા સમયે બાળકીને કોઈ પણ બીમારી બાળકીને ન હતી. એડમિશન લેતા સમયે અમે બાળકીને કોઈ પણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ લીધેલા છે. અન્ય કોઈ પણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. હાલ બોડકદેવ પોલીસે શાળાએ પહોચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે.