વિશ્વ મહિલા દિવસ: માધાપરની 300 ઝાંસીની રાણી, ભારત-પાક યુદ્ધમાં આ રીતે આપ્યો ફાળો
આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભારતની સરહદે આવેલા કચ્છની મહિલાઓએ જે કાર્ય કર્યું છે. તે સરહદની રખોપા કરવા માટે સજ્જ આ વીરાંગનાઓને નમન કરવાનું મન થાય એવું કાર્ય કરી દેશભરમાં ડંકો વગાડી દીધો હતો.
માધાપરની મહિલાઓએ 1971ના યુદ્ધ વખતે અસાધારણ સાહસ દાખવીને તૂટેલા રન-વેને ખુબ જ ઓછા સમયમાં તૈયાર કરી આપ્યો હતો. આ મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આ પરાક્રમના કિસ્સાઓ જગતના યુદ્ધ ઇતિહાસમાં ખુબ જ ઓછા નાંધાયા છે માટે માધાપરની મહિલાઓનું આ રીતે સન્માન થયા તે મહત્વપૂર્ણ છે.
1971ના યુદ્ધ વખતે ભારતના પશ્ચિમ ભાગમાં વાયુસેનાને કામ આવી શકે એવું એક માત્ર એરપોર્ટ ભુજની ભાગોળે આવેલું હતું. પાકિસ્તાને બરાબર વ્યૂહરચના બનાવી રન-વે પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલાને પાકિસ્તાને ‘ઓપરેશન ચંગીઝખાન’ નામ આપ્યું હતું.
ભારત પાસે લડાકુ વિમાન હોય તો પણ નકામાં ઠરે. કેમકે રન-વે વગર ઉડી જ ન શકે. બીજી બાજુ રાતોરાત રન-વે બની ના શકે! અલબત દુનિયાના બીજા કોઇ ભાગમાં આવી ઘટના બની હોત તો ન બની શકે. પરંતુ કચ્છની ખુમારી કંઇક અલગ જ છે. તૂટેલા રન-વેને તત્કાળ રીપેર થઇ શકે તે માટે મોટી સંખ્યામાં કામદારોની જરૂર હતી.
લશ્કર પાસે એટલા માણસો ન હતા અને જે હતા તે બધા યુદ્ધના મેદનામાં હતા. તે વખતે કચ્છના કલેકટર ગોપાલ સ્વામી હતા અને તેમણે સર્વત્ર ફરીને શ્રમદાન માટે લોકોને અપીલ કરી હતી. તેમાં માધાપરની મહિલાઓ સૌથી પહેલા આગળ આવી હતી. 1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ ભુજ માટે પણ કડવી યાદ સમાન છે.
દુશ્મન દેશ દ્વારા 14 દિવસ સુધી હવાઇ હુમલાઓ કરી ભુજ સ્થિત એરસ્ટ્રીપને 35 વખત તોડી પાડવામાં આવી હતી. ત્યારે ભુજ તાલુકાના માધાપરની 300 જેટલી મહિલાઓ રાત-દિવસ સતત 72 કલાક સુધી કામ કરી એરપોર્ટ લડાકુ વિમાન માટે તૈયાર કર્યું હતું. આજે આમાંથી 70 વીરાંગના હયાત છે. જેમાં 35 જેટલી વિદેશમાં છે.
ભારતની પશ્ચિમે આવેલી સરહદને જોડતા કચ્છના આ પ્રદેશમાં 1971ના યુદ્ધની સાયરનો વાગતી હતી. ભારત-પાકિસ્તાનની લડાઇ વખતે ભુજના એરપોર્ટ પર આકાશમાં ચક્કર મારતા દુશ્મન દેશના ફાઇટર વિમાનોએ સતત બોમ્બમારો ચાલુ રાખ્યો હતો. બોમ્બમારા વચ્ચે કઇ રીતે કામ કર્યાની વાત કહી તો મહિલાએ કેવા સંજોગોમાં કામ કર્યું હતું તે વાત કરી હતી.