ખેડૂત આંદોલન: ખાદ્ય પદાર્થોનો બગાડ ન થાય તે માટે કિસાનોએ ખીર બનાવીને લોકોને ખવડાવી
દેશભરના તમામ રાજ્યોમાં પોતાની માગણીઓને લઈને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની હડતાળનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે ખેડૂતોએ પોતાની માગણીઓને લઈને પ્રદર્શન કર્યું અને ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ ખુબ નારેબાજી કરીને અનેક જગ્યાઓ પર માર્ચ કાઢી.
બીજી બાજુ મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં ખેડૂતોએ આંદોલન કરવાની નવી રીત શોધી કાઢી. પ્રદર્શનના પહેલા દિવસે ખીર બનાવી. ખેડૂતોએ પહેલા ખીર બનાવી અને ત્યારબાદ આખા ગામમાં વહેંચી દીધી.
ખેડૂતોનું કહેવું છે કે તેઓ આંદોલન દરમિયાન પણ અન્ન અને ખાવા પીવાની વસ્તુઓની બરબાદી થવા દેશે નહીં અને ગ્રામીણોમાં વહેંચી દેશે. ખેડૂતો તરફથી ખીર વહેંચવામાં આવી. જે જોઈને ગ્રામીણોના ચહેરા પર એક અલગ પ્રકારનો આનંદ જોવા મળ્યો.
સમગ્ર ગામમાં ફરી ફરીને ખીર વહેંચવાની જગ્યાએ ખેડૂતોએ તમામ ગ્રામીણોને એક જગ્યાએ ભેગા કર્યાં અને ત્યારબાદ ખીર વહેંચી. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી જારી કરવામાં આવેલી તસવીરો મુજબ ખેડૂતોએ પોત પોતાના ઘરોમાંથી સામાન ભેગો કર્યો અને ત્યારબાદ ખીર બનાવી.
ઉલ્લેખનીય છે કે દેશભરના ખેડૂતો પોતાની માગણીઓને લઈને દેખાવો કરી રહ્યાં છે. પ્રદર્શનની શરૂઆત પહેલા ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ ગ્રામીણ વિસ્તારોમાંથી દૂથ, ફળ, શાકભાજી, વગેરે સામાનને શહેરમાં પહેંચવા દેશે નહીં. ખેડૂતોના બંધના કારણે દેશના અનેક શહેરોમાં ખાદ્ય પદાર્થોનો સપ્લાય રોકાઈ ગયો છે. જેના કારણએ શાકભાજીઓ અને ફળોના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. (તસવીરો: સાભાર ANI)