Gujarat Rain: વ્યાસ બેટ ખાતે ફસાયેલા 12 લોકોનું સૈન્યની મદદથી રેસ્ક્યૂ, મંદિરના ધાબે ફસાયેલા હતા લોકો
Gujarat Heavy Rain અર્પણ કાયદાવાલા, ઝી બ્યૂરો: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના ગોધરા અને શહેરામાં સાડા નવ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે મહીસાગરના વીરપુરમાં નવ ઇંચ વરસાદ વરસ્યો. આજની વાત કરીએ તો રાજ્યમાં સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જુનાગઢના મેદરડામાં ચાર ઇંચ વરસાદ, જૂનાગઢના જ વિસાવદરમાં પોણા ચાર ઇંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો. જ્યારે બનાસકાંઠાના ધાનેરા, મહેસાણાના મહેસાણા સીટી, સાબરકાંઠાના ઈડર અને મોરબીના હળવદમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
ભારે વરસાદના પગલે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બરકાલના વ્યાસ બેટ ખાતે કેટલાક લોકો મંદિરના ધાબે ફસાયેલા હતા. ત્યારે તેમને ગઈ કાલે એરલિફ્ટ કરીને રેસ્ક્યૂ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
નર્મદા નદીએ 29 વર્ષ પછી આવું રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ છે. શિનોર તાલુકાનો નર્મદા કાંઠાનો વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયો છે.
બરકાલ ના વ્યાસ બેટ ખાતે ફસાયેલા 12 લોકોનું આખરે રેસ્ક્યૂ કરવામાં આવ્યું. આ માટે સ્થાનિકો, ગુજરાત પોલીસ, વહીવટી તંત્ર અને ભારતીય સૈન્યની મદદ લેવાઈ.
વિશેષ બોટ અને સાધનો વડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ. અત્રે જણાવવાનું કે હજુ પણ નદીમાં પાણીનો મોટો અને તેજ પ્રવાહ યથાવત છે.
ગઈકાલે એરલિફ્ટ કરી રેસ્ક્યુ કરવાના પ્રયત્નો થયા હતા. રેસ્ક્યુ શક્ય ન બનતા 12 લોકો મંદિરના ધાબે ફસાયેલા હતા.