પોલીસ સ્ટેશનમાં યોજાઈ મહેંદી સ્પર્ધાઃ સુરતના કતારગામ પોલીસ સ્ટેશનની અનોખી પહેલ
સામાન્ય રીતે નાની બાળકીઓ તથા મહિલાઓ પોલીસ મથકના પગથિયા ચઢવામાં ગભરાતી હોય છે. રાજ્યમાં સુરતના કતારગામ પોલીસે મહિલાઓ અને બાળકીઓમાં પોલીસ પ્રત્યે રહેલા આ ભયને દૂર કરવા માટે એક અનોખો પ્રયાસ કર્યો હતો. અલુણા વ્રત નિમિત્તે પોલીસ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
કતારગામ પોલીસે એક એનજીઓ સાથે મળીને પોલીસ મથકની અંદર જ નાની બાળકીઓ તથા મહિલાઓ માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ મહેંદી સ્પર્ધામાં 200થી વધુ નાની બાળકીઓએ અને મહિલાઓએ ભાગ લીધો હતો
રાજ્યમાં પોલીસમાં હવે મહિલાઓ પણ હોંશે-હોંશે જોડાઈ રહી છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં આયોજિત મહેંદી સ્પર્ધાના કાર્યક્રમમાં પોલીસ સ્ટેશનની મહિલા પોલીસકર્મીઓ પણ જોડાઈ ગઈ હતી. તેમણે અનેક બાળકીઓના હાથમાં મહેંદી મુકવાની સાથે વાતો-વાતોમાં પોલીસ પ્રત્યે રહેલો ભય દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
પોલીસ સ્ટેશનમાં આયોજીત આ મહેંદી સ્પર્ધામાં બાળકીઓને 'ગુડ ટચ, બેડ ટચ' અંગે પણ માહિતી આપવામાં આવી હતી. બાળકીઓની સાથે આવેલી તેમની માતાઓ પોલીસની આ પહેલથી અત્યંત ખુશ થઈ ગઈ હતી.
પોલીસ સ્ટેશનમાં આવેલી બાળકીઓ અને તેમની માતાઓને પોલીસ સ્ટેશનના તમામ વિભાગની વિઝીટ કરાવવામાં આવી હતી. દરેક વિભાગ કેવા પ્રકારની કામગીરી કરે છે અને શહેરમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ કેટલી સતર્ક રહેતી હોય છે એ તમામ વિગતો સમજાવવામાં આવી હતી.
સ્પર્ધા હોય એટલે ઈનામ તો આપવા જ પડે. કતારગામ પોલીસે પણ બાળકીઓમાં ઉત્સાહ વધે તેને ધ્યાનમાં રાખીને મહેંદી સ્પર્ધામાં ઈનામ પણ રાખવામાં આવ્યા હતા. પોલીસની આ કામગીરીને ઝી 24 કલાકની ટીમ ખરેખર બિરદાવી રહી છે.