પિચ પર દીવાલ બનીને ઉભા રહે છે હાલના સમયના આ 5 બેટ્સમેન

Wed, 19 May 2021-12:26 pm,

 

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ પોતાની અનોખી બેટિંગ સ્ટાન્સ માટે જાણીતો છે. સાથે જ તેની ક્રીઝમાં ઉભા થવાનો અંદાજ પણ અનેક બેટ્સમેનોથી અલગ છે. તેમ છતાં તેનું ડિફેન્સ ઘણું મજબૂત છે. 2010માં ટેસ્ટ ડેબ્યુ કર્યા પછી સ્મિથે મોટા ફોર્મેટમાં પોતાને સ્થાપિત કર્યો છે. જોકે આ દરમિયાન સ્મિથના નામ બદનામી પણ આવી. 2018માં બોલ ટેમ્પરિંગ વિવાદ પછી સ્મિથને ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી બરખાસ્ત કરવામાં આવ્યો. સાથે જ તેના પર એક વર્ષનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. જેના પછી સ્મિથે નંબર વન રેન્કની સાથે જ પોતાની શાખ પણ ગુમાવી દીધી. 2019માં એશિઝ સિરીઝ દ્વારા સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી. તે સિરીઝમાં સ્ટીવ સ્મિથે 110.57ની એવરેજથી કુલ 774 રન બનાવ્યા. સ્ટીવ સ્મિથે 77 ટેસ્ટ મેચમાં 61.80ની એવરેજથી 7540 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 27 સદી અને 31 અર્ધસદી ફટકારી.

 

ચેતેશ્વર પૂજારાને રાહુલ દ્વવિડ પછી ટીમ ઈન્ડિયાનો ધ વોલ માનવામાં આવે છે. બેટિંગ દરમિયાન તેના મજબૂત ડિફેન્સને ભેદવી કોઈપણ બોલર માટે સરળ રહેતી નથી. 33 વર્ષનો પૂજારા ધીરજ અને દ્રઢ સંકલ્પના કારણે વિપક્ષી ટીમને પરેશાન કરી નાંખે છે. પૂજારાએ 85 ટેસ્ટ મેચમાં 46.59ની એવરેજથી 6244 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 18 સદી અને 29 અર્ધસદી નીકળી છે. અનેક વખત ટીમની જરૂરિયાત પ્રમાણે રમવાના કારણે પૂજારાને ટીકાકારોનો સામનો પણ કરવો પડે છે.

 

ક્રેગ બ્રેથવેઈટની બેટિંગ શૈલી વેસ્ટ ઈન્ડિઝના બીજા બેટ્સમેનોથી ઘણી અલગ છે. 28 વર્ષના બ્રેથવેઈટ આક્રમક શોટ રમવાની જગ્યાએ ક્રીઝ પર ધીરજ બતાવવાનું પસંદ કરે છે. બ્રેથવેઈટે પોતાની કારકિર્દીમાં ભલે એક પણ ટી-20 મેચ ન રમી હોય. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેણે પોતાને સ્થાપિત કર્યો છે. બ્રેથવેઈટની સરખામણી વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી શિવનારાયણ ચંદ્રપોલ સાથે થાય છે. જે  ધીરજ અને સાહસનું પ્રતીક હતો. બ્રેથવેટે અત્યાર સુધી 68 ટેસ્ટ મેચમાં 4113 રન બનાવ્યા છે. જેમાં 9 સદી અને 21 અર્ધસદીનો સમાવેશ થાય છે.

 

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન આક્રમક બેટિંગ માટે જાણીતો નથી. પરંતુ તે બોલને ગેપમાં રમીને રન બનાવવાનું પસંદ કરે છે. 2010માં ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યા પછી તેણે પાછળ વળીને જોયું નથી. બેટિંગની સાથે જ કેપ્ટનશીપમાં પણ વિલિયમ્સને કમાલનું પ્રદર્શન કર્યું છે. વિલિયમ્સને 83 ટેસ્ટ મેચમાં 54.31ની એવરેજથી 7115 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 24 સદી અને 32 અર્ધસદી નીકળી છે. છેલ્લાં પાંચ મહિનામાં આ બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાં 251 અને 238 રનનો સ્કોર બનાવ્યો જે બેટની સાથે તેની ક્ષમતાને દર્શાવે છે.

 

દિમુથ કરુણારત્ને ઘણા સમયથી શ્રીલંકાની બેટિંગનો સ્તંભ રહ્યો છે. સાથે જ તેણે કુશળતાથી પોતાની ટીમનું નેતૃત્વ પણ કર્યું છે. શ્રીલંકાની હાલની ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી. પરંતુ ડાબા હાથના આ બેટ્સમેને પોતાની ટીમ માટે ઘણા રન બનાવ્યા છે. દિમુથ કરૂણારત્નેને જવાબદારી લેવાનું પસંદ કરે છે અને તેના ડિફેન્સ પર હાવી થવું મુશ્કેલ રહે છે. ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન બન્યા પછી તેની બેટિંગ વધારે નીખરી છે. હાલમાં તેણે બાંગ્લાદેશ સામે બે મેચની સિરીઝમાં ત્રણ ઈનિંગ્સમાં બે સદીની મદદથી 428 રન બનાવ્યા હતા. તેના નામે 72 ટેસ્ટ મેચમાં 5176 રન છે. જેમાં 12 સદી અને 26 અર્ધસદીનો સમાવેશ થાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link