Narak Chaturdasi 2023: ભગવાન રામ જ નહીં શ્રીકૃષ્ણનો પણ છે દિવાળી સાથે આ ખાસ સંબંધ, જાણો શું છે માન્યતા
ભારતમાં 5 દિવસ સુધી દિવાળી ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે દિવાળીના દિવસે ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ કાપીને પાછા અયોધ્યા આવ્યા હતા અને તેની ખુશીમાં દિવાળી ઉજવવાનું ચલણ છે. દિવાળી પહેલા નાની દિવાળી (છોટી દિવાળી) પણ ઉજવાય છે જેનો ભગવાન શ્રીકૃષ્ણ સાથે વિશેષ સંબંધ છે.
દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. ત્યારબાદ કાળી ચૌદશ, પછી દિવાળી અને બેસતું વર્ષ તથા છેલ્લે ભાઈબીજની ઉજવણી થાય છે.
કારતક માસની ચૌદશને નરક ચતુર્દશી પણ કહે છે. આ દિવસે યમનો દીપક પ્રગટાવવામાં આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના કરાય છે. તેને છોટી દિવાળી કે નાની દિવાળી પણ કહે છે.
શ્રીકૃષ્ણે નરકાસુર રાક્ષસનો વધ પણ આ જ દિવસે કર્યો હતો. તેનો વધ કર્યા બાદ તેમણે તેલ અને ઉબટણથી સ્નાન કર્યું હતું. ત્યારથી આ દિવસે તેલ, ઉબટણ લગાવીને સ્નાન કરવાની પ્રથા શરૂ થઈ. એવી માન્યતા છે કે આમ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે.
ધાર્મિક કથા મુજબ નરકાસુર નામના રાક્ષસે સોળ હજાર એક સો કન્યાઓને કેદ કરી હતી. જેનો શ્રીકૃષ્ણ પત્ની સત્યભામાની મદદ લઈને ખાતમો કરે છે. નરકાસુરને સ્ત્રી દ્વારા જ મોત થાય એવો શ્રાપ હતો. આથી ભગવાન શ્રીકૃષ્ણએ રાક્ષસના વધ માટે પત્ની સત્યભામાની મદદ લીધી હતી.
કારતક માસની ચતુર્દશી તિથિને નરક ચતુર્દશી તરીકે ઉજવાય છે. જેને કાળી ચૌદશ, નરક ચૌદશ, રૂપ ચૌદશ કે રૂપ ચતુર્દશી પણ કહે છે.