ગુજરાતનો આ નેશનલ હાઈવે આપે છે 100% કમર દુખાવાની ગેરેન્ટી, પસાર થશો તો રોલર કોસ્ટર જેવું લાગશે
વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદ ના કારણે વલસાડ જિલ્લાના રસ્તાઓ બિસ્માર બન્યાં છે ત્યારે વલસાડ જિલ્લા અને નાસિક ને જોડતો અને કપરાડા તાલુકામાંથી પ્રસાર થતો નેશનલ હાઇવે 848 નો કુંભઘાટ વિસ્તારનો રસ્તો બિસ્માર થવા પામ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે આવેલો કુંભઘાટ એ સૌથી જોખમી ઘાટ માનવામાં આવે છે.
આ ઘાટ ઉપર ઘણા અકસ્માતઓ થયા છે જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવામાં ઘાટ ઉપર ભારે વરસાદના કારણે મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. મોટા ખાડાઓના કારણે ઘણા એવા અકસ્માતો થવા પામ્યા છે. સાથે વાહનો મોટા ખાડામાં પડવાના કારણે વાહન ચાલકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો બાઈક પર જતાં લોકોની બાઈક ખાડામાં પડવાના કારણે બાઈક ચાલકો પડી જતા હોય છે અને ગંભીર ઇજા પોહચવા પામતી હોય છે. વરસાદના કારણે પડેલા ખાડાના કારણે લોકો હાલ તો હાલાકી વેઠી રહ્યાં છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે આવેલા કુંભ ઘાટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તો ધોવાઈ જવા પામ્યો છે. રસ્તા ઉપર પડેલા મોટા ખાડાઓ ઉપરથી પસાર થવું વાહન ચાલકો માટે જોખમી બન્યું છે. ખાડાઓના કારણે ઘણા અકસ્માતો પણ થવા લાગ્યા છે. કપરાડા અને નાના પોન્ધા ગામને જોડતા કુંભ ઘાટ ઉપર પડેલા ખાડાઓને કારણે એમ્બ્યુલન્સએ પણ જવું મુશ્કેલ બન્યું છે.
નેશનલ હાઇવે 848 વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના નાસિકને જોડે છે, જેને લઈ આ માર્ગ ઉપર રોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો પ્રસાર થતા હોવા છતાં તંત્ર દ્વારા આ માર્ગ ઉપર કોઈ પણ પ્રકારના પગલાં ન લેતા લોકોએ હાલકી વેઠવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન આ વિસ્તારના રસ્તાઓ બિસમાર થઈ જતા હોય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવતા અહીંથી પ્રસાર થતા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
વલસાડ જિલ્લામાંથી પ્રસાર થતો નેશનલ હાઇવે 848 નો કુંભ ઘાટ વિસ્તાર બિસ્માર હાલતમાં છે. ત્યારે સ્થાનિકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્રારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ઘાટ ઉપર પડેલા ખાડા ખૂબ જોખમી હોવાથી તંત્ર દ્વારા આ ખાડા વહેલી તકે પૂરવામાં આવે એવી માંગ સ્થાનિકો અને રાહદારીઓ કરી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે નિંદ્રામાં સુતેલા અધિકારીઓ ક્યારે જાગશે અને આ ખાડા પુરવામાં આવશે.