કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત
શિયાળો આવતા જ ફળોનો રાજા કેરીમાં આગમનના ભણકારા વાગવા માંડે છે. શિયાળામાં તાપમાન 15 ડિગ્રીથી ઓછુ રહેતા આંબા પર આમ્રમંજરી ફૂટવા લાગે છે. ખાસ કેસર અને હાફૂસ કેરી માટે જાણીતા નવસારી જિલ્લાની આંબાવાડીઓમાં હાલ સારી એવી ફૂટ લાગતા ખેડૂતોના ચહેરાઓ ખીલી ઉઠ્યા છે. કારણ છેલ્લા થોડા વર્ષોથી બદલાતા વાતાવરણે કેરી પકવતા ખેડૂતોને આર્થિક નુકશાનમાં નાંખી દીધા હતા. ત્યારે શિયાળામાં પ્રારંભે ગરમી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
પરંતુ થોડા દિવસોથી વાતાવરણમાં બદલાવ આવવા સાથે ઠંડીનો ચમકારો રહેતા આંબાવાડીમાં 50 થી 60 ટકા આમ્રમંજરીઓ ફૂટી છે. જેની સાથે જ ઘણા આંબાઓ પર ફલિનીકરણ થતા મોરવા પણ જોવા મળી રહ્યા છે. આંબાઓ અમ્રમંજરીઓથી ઉભરાતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે અને આ વર્ષે 80 ટકા પાક રહે, તો ગત વર્ષોની નુકશાની આ વખતે સરભર થઈ શકે એવી આશા સેવી રહ્યા છે.
આંબો ઘણો સંવેદનશીલ હોય છે. પૂરતી ઠંડી ન મળે તો ફ્લાવરિંગ અને ફલિનીકરણમાં મુશ્કેલી આવે છે. જો વાતાવરણમાં ભેજ વધુ રહે અને ધુમ્મસિયુ વાતાવરણ રહે તો ભૂકીછારા અને મધિયાનો રોગ થઈ શકે છે. જેથી 15 જાન્યુઆરી સુધી યોગ્ય પ્રમાણમાં ઠંડીનું વાતાવરણ રહે, તો આંબાવાડીઓ કેરીથી લચી પડે એવી સંભાવના નિષ્ણાંતો જોઈ રહ્યા છે. જ્યારે આ દરમિયાન કેરી પાકને રોગ જીવાતથી બચાવવા દવા છાંટવાની સલાહ પણ કૃષિ નિષ્ણાતો આપી રહ્યા છે. જેથી ખેડૂતો સારો પાક લણી શકે.
બદલાતું વાતાવરણ ખેતી ઉપર મોટી અસર પાડી રહી છે. ત્યારે ફળોનો રાજા કેરી પણ થોડા વર્ષોથી ખાટી થઈ રહી હતી . પરંતુ હાલમાં પડી રહેલી ઠંડી સાથે વાતાવરણ જળવાયેલું રહે, તો આ વખતે લોકો મન ભરીને કેરીની મીઠાશ આરોગી શકશે.