ગરીબોના બેલી....એવા ખજૂરભાઈના લગ્નનો આલ્બમ થયો વાયરલ, જુઓ Photos, જાણો તેમના જીવન સંગીની વિશે
ગુજરાતમાં ખજૂરભાઈને કોણ નથી ઓળખતું. સોશિયલ મીડિયાથી પોપ્યુલર બનેલા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીના સેવાકાર્યના વખાણે દેશપરદેશમાં થાય છે. તેથી જ તેમને ગુજરાતના સોનુ સૂદ કહેવાય છે. ગત વર્ષે ખજૂરભાઈની સગાઈના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હવે ખજૂરભાઈ પરણી ગયા છે.
ખજૂરભાઈ ગત રોજ મંગેતર મીનાક્ષી દવે સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમના લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. અને લોકો તેમને આર્શીવાદ અને અભિનંદન આપી રહ્યાં છે.
ખજૂરભાઈ સોશિયલ મીડિયાનો ચર્ચાતો ચહેરો છે, અને ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની મદદે પહોંચે છે. ગુજરાત રાજ્યમાં ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાની મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જે ઘણા વાયરલ થઇ રહ્યા છે.
લોકોને એ જાણવામાં રસ છે કે ખજૂરભાઈની સંગીની કોણ છે. ત્યારે તમને જણાવી દઈએ કે, ખજૂરભાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીર શેર કરી હતી. ત્યારથી જ તેઓ ચર્ચામાં હતા. બારડોલી ખાતે તેમની સગાઈ થઈ હતી. તેમની મંગેતરનું નામ મિનાક્ષી દવે છે, અને વ્યવસાયે તેઓ ગાયિકા હોવાનું જાણવા મળ્યુ છે. મિનાક્ષી દવે અનેકવાર ખજૂરભાઈ સાથે સેવાના કામમાં જોડાયેલા જોવા મળે છે.
નીતિન જાની ઉર્ફ ખજૂરભાઇએ પૂણેમાં બીસીએ બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરીને આઇટી ફિલ્ડમાં નોકરી શરૂ કરી હતી. પરંતુ 70 હજારના પગારવાળી નોકરી છોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રાઉડ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને ધીમે ધીમે ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું. હાલમાં તેઓ પોતાની યૂટ્યુબ ચેનલ ચલાવે છે.
નીતિન અને મીનાક્ષી કઇ રીતે સંપર્કમાં આવ્યા. તો બન્યું એવું કે, નીતિન જાની એકવાર સાવરકુંડલાના દોલતી ગામે સેવાકાર્યના અર્થે ગયા હતા. જ્યાં અંધ દાદીમાનું ઘર બનાવી આપ્યું હતું. ત્યારે સમગ્ર ગામના લોકોએ નીતિન જાનીને રૂબરૂ જોયા અને મોટા ભાગના લોકો તેમની સાથે ફોટો ક્લિક કરાવવા લાગ્યા. તેમાના એક મીનાક્ષી દવે પણ હતા. પરંતુ તે સમયે કંઇ જ ન હતું. બાદમાં થોડો સમય પસાર થયો અને ખાંભા નજીક હનુમાનગઢમાં આવેલા હનુમાજીના મંદિરે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો અને ત્યાં જ મીનાક્ષી દવેનો પરિવાર પણ હતો. તે દરમિયાન બન્નેનો પરિવાર એકબીજાને મળ્યો અને નંબરની આપલે થઇ હતી. તે જ સમયે નીતિન જાનીના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ખૂબ જ ગમી ગયો હતો. ધીમે ધીમે બન્ને પરિવાર વચ્ચે વાતો શરૂ થઇ. ત્યારે મીનાક્ષીને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે, નીતિન તેમના લાઇફ પાર્ટનર બનશે. થોડા સમય પછી નીતિન જાનીના મમ્મીએ મીનાક્ષીના ઘરે માગું નાંખ્યું અને આ વાત સાંભળી મીનાક્ષી ખૂબ ખુશ થઇ હતી. મીનાક્ષીએ એકપણ ક્ષણનો વિચાર કર્યા વિના જ સંબંધ માટે હા પાડી હતી. કારણ કે, મીનાક્ષી માટે આ ખુશખબર હતા.
ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીની બીજી ઓળખ ગુજરાતના સોનુ સૂદ તરીકે થાય છે. ગુજરાતના લોકોની હરહમેંશા મદદ કરતા અને ફેમસ યૂટ્યૂબર નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ ગુજરાતમાં રહેતા મકાન વિહોણા લોકોને મકાન બનાવી આપે છે. નીતિન જાની એક સેલિબ્રિટી છે. તેઓ પોતાના સરળ સ્વભાવને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવે છે. આજે અનેક જગ્યાએ તેઓ સેવાનું કાર્ય કરી રહ્યા છે અને પોતા પાસે રહેલા પૈસા બીજાની ખુશી માટે વાપરે છે. નીતિનનો આ સ્વભાવ મીનાક્ષીને પહેલાથી જ પસંદ હતો અને આખરે તેની હમસફર બનવાની તક મળી. આ ઉપરાંત નીતિન જાનીને પણ મીનાક્ષીનો સ્વભાવ ખૂબ ગમ્યો અને કેટલીક ધાર્મિક વાતોથી મીનાક્ષીએ નીતિનના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.