68 વર્ષનો વર અને 65 વર્ષની વધૂ... બંને એક થતા પાનખર જેવા જીવનમાં વસંત આવી
અંકલેશ્વર -મુંબઈના નવયુગલના મન મેળ માટે સુરત સાક્ષી બન્યું છે. ઢળતી વયે એકલવાયું જીવન જીવવા જેવુ નથી તેવુ સમજી ગયેલા મુંબઈના જ્યોત્સનાબેન અને અંકલેશ્વરના હરીશભાઈ આજે લગ્ન તાંતણે બંધાયા હતા. જ્યોત્સનાબેન તેઓના જીવનસંગીની બન્યા હતા. અનુબંધ સંસ્થાની મદદથી સુરતમાં તેઓનું ભવ્ય રિસેપ્શન યોજાયું હતું. જેમાં તેમના પરિવારજનો અને સંસ્થાના લોકો જોડાયા હતા. હરીશભાઈ 68 વર્ષના છે, અને જ્યોત્સનાબેન 65 વર્ષના છે. હરીશભાઈના પત્નીનું કોરોનામાં મોત નિપજ્યું હતું, તો જ્યોત્સનાબેનના પતિનું કેન્સરથી નિધન થયું હતું. ત્યારે આ કપલે એક થવાનો નિર્ણય કર્યો હતો.
જ્યોત્સનાબેનને સંતાનમાં બે દીકરા અને દીકરી છે. જેમાં દીકરાઓ વિદેશમાં સ્થાયી થયા છે, અને દીકરી મુંબઈમાં રહે છે. ત્યારે કોરોના મહામારીને કારણે જ્યોત્સનાબેનના દીકરાઓ આ લગ્નમાં સામેલ થઈ શક્યા ન હતા. પરંતુ દીકરીએ માતાને હોંશેહોંશે વિદાય કરી હતી.
અનુબંધ ફાઉન્ડેશનના સેક્રેટરી ભારતીબેન રાવલે જણાવ્યું કે, અમારી સંસ્થા 18 વર્ષથી સિનીયર સિટીઝનના લગ્ન કરાવે છે. અત્યાર સુધી અમે 165 કપલને લગ્ન તાંતણે બંધાવ્યા છે. સમગ્ર ભારતમાં અમે કાર્યરત છીએ. આજે જ્યોત્સનાબેન હરીશભાઈના જીવનસંગીની બન્યા છે. તેઓની પહેલી મુલાકાત સુરતમાં થઈ હતી. પંદર દિવસમાં જ તેઓએ લગ્ન માટે સહમતી આપી હતી. અમારી અપીલ છે કે, આવી રીતે એકલા રહેતા વધુ કપલ સામે આવે, અને તેમના પાનખર જેવા જીવનમાં વસંત આવે. આજના સમયમાં અનેક દીકરા-દીકરીઓ મા-બાપને રાખવા તૈયાર નથી, તો કેટલાકના દીકરા પરદેશમાં હોય છે. ઘરડા ઘરમાં પણ જગ્યા નથી. ત્યાં પણ રૂપિયા ખર્ચવા પડે છે. ત્યાં પ્રેમ અને હૂંફ પણ ન મળે. આવામાં જીવનસાથી હોય તો સુખદુખ સાથે રહીને વહેંચી શકાય છે. સમાજને સાથે રાખીને આ રીતે નવુ જીવન શરૂ કરી શકાય છે.