Gujarat Chutani 2022 : 101 વર્ષના મેરુમાએ દીકરા પાસે જીદ પકડી, આવતીકાલે મતદાન કરીને જ અન્ન લઈશ

Sun, 04 Dec 2022-2:39 pm,

આવતીકાલે મતદાન છે ત્યારે મતદાન કરવા માટે આ વર્ષે ઓછો ઉત્સાહ જોવા મળ્યો છે. પ્રથમ તબક્કામાં ઓછું મતદાય થયું છે. ત્યારે લોકોના નિરુત્સાહ વચ્ચે પાલનપુરના 101 વર્ષીય મહેરુનિશા નામના બીમાર વૃદ્ધાનો જુસ્સો લોકોને પ્રોત્સાહ આપે તેવો છે. મતદાન કરવા માટે પોતાના પુત્ર આગળ જીદ કરી રહ્યા છે અને ‘આવતીકાલે મતદાન કરીને જ અન્ન આરોગીશ’ તેવું કહ્યું. જેને લઈને વૃદ્ધ મહેરુનિશા તમામ લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

પાલનપુરના મીઠીવાવડી વિસ્તારમાં રહેતા મહેરૂનીશા મસીઉદ્દીન કાદરીને લોકો મેરુમાના હુંલામણા નામથી ઓળખે છે. જોકે તેવો હાલ નાદુરસ્ત હાલતમાં છે, તેમના પગે 18 ટાંકા આવ્યા છે. તેઓ ચાલી પણ નથી શક્તા. તો પણ તેઓ પોતાના પુત્ર આગળ જીદ પકડીને બેઠા છે કે, આવતીકાલે 5 તારીખે મને મતદાન કરવા માટે અવશ્ય લઈ જજો. 101 વર્ષની વયે પણ તેમનો મતાધિકારનો જુસ્સો આજના યુવા મતદારો માટે 100 ટકા મતદાન માટે પ્રેરણારૂપ છે. મહેરૂનિશા મૂળ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામના વતની છે. જેઓ વર્ષો અગાઉ વ્યવસાય અર્થે બનાસકાંઠા જિલ્લામાં આવ્યા હતા. શરૂઆતના દસ વર્ષ પાલનપુર તાલુકાના ગઢ ગામે વિતાવ્યા હતા. જ્યાં પોતાના પતિ સાથે ટાયર પંચર ની દુકાન શરૂ કરી હતી. હિન્દુ પરિવાર સાથે એક જ મકાનમાં રહી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યાંથી પરિવાર સાથે પાલનપુર મીઠી વાવ પ્રજાપતિ વાસમાં વર્ષોથી રહે છે. જ્યાં લોકો તેમને મેરુમાના હુલામણા નામથી ઓળખે છે.

આ મહેરુનીશા માં પોતાના મતાધિકારને લઈ ખૂબ જ જાગૃત છે. 5 ડિસેમ્બરે વિધાનસભાનું મતદાન થવાનું છે, ત્યારે મહેરુનીશા માં તેમના પુત્ર સીતાબભાઈ કાદરી આગળ હઠ લઈને બેઠા છે કે મને મતદાન કરવા માટે અવશ્ય લઈ જજો. મહેરુનીશા માંએ દેશ સહિત ગુજરાતમાં ચૂંટણીઓ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં નગરપાલિકા વિધાનસભા લોકસભા સહિતની ચૂંટણીઓમાં અનેકવાર મતદાન કર્યું છે. જેથી તેઓ આજના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. અને હવે પાંચ ડિસેમ્બરે તેઓ પોતાનો અમૂલ્ય મત આપી મતદાર તરીકે નવી સરકાર બનવામાં મહત્વના ભાગ બની રહેશે. 

ઝી 24 કલાક સાથે વાતચીતમાં મહેરુમાંએ કહ્યું હતું કે મતદાન કરવુ એ આપણી ફરજ છે અને હું બીમાર છું, છતાં પણ કાલે મતદાન કરવા જઈશ અને પછી જ અન્નગ્રહણ કરીશ. જોકે મહેરુમાંના પુત્ર સીતાબ કાદરી પણ પોતાની માતાને લઈને ગર્વ અનુભવી રહ્યા છે અને કહી રહ્યા છે કે મારી માતાએ આજદિન સુધી તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે અને હવે આવતીકાલે મતદાન કરવા જીદ પકડીને બેઠા છે તેથી હું આવતીકાલે તેમને મારા પરિવારના સભ્યો સાથે મતદાન કરવા લઈ જઈશ અને તમામ લોકોએ મતદાન કરવું જરૂરી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link