Photos: યૂક્રેનમાં હાહાકાર, શહેરોમાં પેટ્રોલ પંપ-એટીએમની બહાર લાંબી-લાંબી લાઇનો
કિવ શહેરમાં આજે હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા હતા કારણ કે રશિયન મિસાઈલો સમગ્ર યુક્રેન પર છોડવામાં આવી હતી. રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેનમાં યુદ્ધ છેડ્યું છે અને તેના કારણે દેશવાસીઓમાં ગભરાટનો માહોલ છે.
કિવ શહેરમાં એટીએમની બહાર પણ લાંબી કતારો જોવા મળી હતી, કારણ કે લોકો માને છે કે આ યુદ્ધ કેટલો સમય ચાલશે તેનો અંદાજો નથી. એટલા માટે લોકો પહેલેથી જ તૈયારી કરી રહ્યા છે અને કેશની તૈયારી રાખી રહ્યા છે. જેથી ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ વણસે તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
એવિલો-યુસપેન્કામાં બોર્ડર પોસ્ટ પાસે એક રોડની બાજુમાં ટ્રકો જોવા મળી હતી. યુક્રેનમાં રશિયન સૈનિકો દ્વારા સતત હુમલા થઈ રહ્યા છે. ઘણા રશિયન સૈનિકો ટ્રકમાં શહેરની અંદર આવી રહ્યા છે.
કિવ શહેરમાં લોકોએ એકબીજાની મદદ કરવા માટે કેમ્પ લગાવ્યા છે, જ્યાં લોકોને જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ માટે પણ લોકો કતારોમાં ઉભા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રશિયન સેનાએ તેમની પાસે કોઈ વિકલ્પ નથી રાખ્યો અને આજે લોકો અહીં-ત્યાં જવા માટે મજબૂર છે.
પૂર્વી યુક્રેનિયન શહેર ચુગુઇવમાં બોમ્બ વિસ્ફોટ પછી નાશ પામેલી ઇમારતની બહાર લોકો ઉભા છે. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયાએ દેશની રાજધાની કિવ નજીકના એરફિલ્ડ અને સૈન્ય મુખ્યાલય પર ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલો લોન્ચ કરી છે. યુક્રેનની રાજ્ય કટોકટી સેવાઓએ જણાવ્યું હતું કે યુક્રેનના 10 પ્રદેશો વિરૂદ્ધ હુમલા કરવામાં આવ્યા હતા. તેમાં મુખ્યત્વે દેશના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં વધુ જોરશોરથી હુમલો કરવામાં આવી રહ્યો છે.
યુક્રેનના પશ્ચિમી શહેર લવિવિમાં પેટ્રોલ પંપની બહાર લાંબી કતારો લાગી છે. મીડિયા અહેવાલો અનુસાર, સ્થાનિક નાગરિકો આશ્રય લેવા માટે ભૂગર્ભ મેટ્રો સ્ટેશન તરફ જઈ રહ્યા હતા કારણ કે સત્તાવાળાઓએ માર્શલ લો જાહેર કર્યો હતો.