Places Near Ahmedabad:રાવણનો વધ કરી અહીં શ્રીરામે બ્રહ્મ હત્યાનું પાપ ધોયું, અમદાવાદ નજીક આવેલી આ જગ્યાઓ તમે જોઈ છે કે નહીં ?
ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં ૩૦ કિ.મી. અને અમદાવાદથી આશરે 105 કિલોમીટરના અંતરે રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું છે મોઢેરાનું પ્રસિદ્ધ સુર્ય મંદિર. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે. જે 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી (ભીમદેવ પહેલા)ના શાસનકાળમાં બનાવવામાં આવેલા સૂર્યમંદિરને કારણે જગતભરમાં પ્રખ્યાત છે. પુરાણોમાં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વસિષ્ઠ ઋષિને એવા સ્થળની પૃચ્છા કરી જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે. (રાવણ બ્રાહ્મણ હતો). વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, જે હાલના મોઢેરા નજીક હતું. ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો. ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઇ જે બેચરાજી મોઢેરકથી 15 કિલો મીટર દૂર હતું. પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું. મોઢેરા ગામમાં જ્ઞાનેશ્વરી વાવ આવેલી છે, જે 16-17મી સદીની છે. આ વાવમાં સામાન્ય રીતે છેલ્લા માળમાં આવેલા મંદિરની જગ્યાએ પ્રથમ માળમાં મંદિર આવેલું છે. અહીં તમને કલા-સ્થાપત્યનો અનેરો સંગમ જોવા મળશે. આ ઉપરાંત બેચરાજી તાલુકામાં બહુચરાજી માતાનું સ્થાનક આવેલું છે. યાત્રાધામ બહુચરાજી અને માતાજીનું પ્રાગ્ટય સ્થાન શંખલપુર અને વલ્લભભટ્ટની વાવ પણ નજીકમાં આવેલી છે.
અમદાવાદથી અંદાજે 60 કિલો મીટરના અંતરે આવેલું છે અલ્ટીમેટ ફિલ્મ સીટી અને વિલા. આ સ્થળ દહેગામથી આગળ જતાં ખેડા જિલ્લામાં આવેલાં આંતરસુંબા નજીક આવેલું છે. વિશાળ વિસ્તારમાં ફેલાયેલાં અલ્ટીમેટ ફિલ્મ સીટીમાં ફિલ્મોનું શૂટિંગ થાય છે. અહીં થિયેટર, ઓડિટોરિયમ, ગેમિંગ ઝોન, જીમ, કલબ હાઉસ અને સ્વીમિંગપુલ આવેલો છે. અલ્ટીમેટ ફિલ્મ સીટીની સાથે અહીં વિલા રિસોર્ટ આવેલો છે. જેમાં તમે તમારા પરિવાર કે મિત્રો સાથે સમય વિતાવી શકો છો. અંદાજે ચાર હજાર રૂપિયાના ચાર્જમાં તમને બે બેડરૂમ હોલનો એક વિશાળ વિલા 24 કલાક માટે મળે છે. જેમાં તમે એક સાથે આરામથી 8 થી 10 લોકો રહી શકો છો. જેમાં કિચન, ફ્રિઝ, એસી. અને ટીવી, સોફા અને ઝુલા સહિતની સુવિધા આપવામાં આવશે. વિલાની આસપાસ તમને ગાર્ડનનો પણ પેસેજ આપવામાં આવશે. જમવાની વ્યવસ્થા તમે જાતે કરી શકો છો. અથવા વિલાથી બહાર બે થી ત્રણ કિલો મીટરના અંતરે તમને પંજાબી અને કાઠિયાવાડી જમવાનો સ્વાદ પણ માણી શકો છે. ફોટોગ્રાફી માટે પણ આ સ્થળ બેસ્ટ છે. લોકો પ્રિવેડીંગ ફોટો શૂટ માટે પણ અહીં આવતા હોય છે. શહેરથી દૂર જંગલની વચ્ચે જાણે એક અલગ જ શહેર વસેલું હોય તેવો અહેસાસ અહીં થાય છે. પરિવાર કે મિત્રો સાથે નાઈટ હોલ્ડ કરીને તમે અહીં કેમ્પ ફાયરની મજા માણી શકો છો.
અમદાવાદથી 165 કિલો મીટરના અંતરે વડોદરા જિલ્લામાં આવેલો છે ઓરસંગ કેમ્પ રિસોર્ટ. ઓરસંગ કેમ્પ રિસોર્ટ ગામડામાં આવેલી કેમ્પ સાઈટ છે, જે વડોદરા જીલ્લામાં 125 એકરમાં ફેલાયેલ કેમ્પ સાઈટ રિસોર્ટ છે. વડોદરાથી માત્ર 57 કિલો મીટરની દુરી આવેલો આ રિસોર્ટ સુંદરતાનો નજારો છે.અહી કેમ્પ સાઈટ આવેલી છે. આ કેમ્પ સાઈટમાં તમારા મનોરંજન માટે ઢગલાં બંધ એક્ટિવિટિઝ છે. જેથી બાળકોને આ સ્થળે સૌથી વધારે મજા પડે છે. અહી જીપ લાઈન, બબલ બાઉન્સ, કાયાકિંગ, સ્વિંગ ઝમ્પ, ટાયર ટમ્બલ, કીડ્ઝ એડવેન્ચર ઝોન, સ્કાય વોક, રોપ વોક, ઝઈગ ઝેગ, કોમ્પ્લિમેન્ટરી નોટ, બર્મા બ્રિઝ, મેક બ્રિઝ, સ્વિમિંગ પુલ, મીસ્ટ પોનેડ, મિની ડી.જે, ફ્લાઈંગ ફોક્સ, ફ્લાય ઈન એર, મિની ટાયર એક્ટિવિટિઝ, સ્વિંગ બ્રિઝ, ટાયર વોક-વોક ઈન એટ ટાયર, જંગલ ટ્રેકિંગ જેવી અનેક એક્ટિવિટિઝ થાય છે. જેમાં અમુક એક્ટિવિટિઝ ફ્રી છે તો અમુકનો ચાર્જ લેવામાં આવે છે. અહી અંદાજે એક વ્યક્તિ દીઠ હજારથી બારસો રૂપિયા જેટલો ખર્ચ થાય છે. નાના બાળકોની અડધી ટિકિટ લેવી પડે છે. આ સમગ્ર ઓરસંગ કેમ્પ સાઈટ હરિયાળી વાળી જગ્યાએ આવેલો હોવાથી અહી આખો દિવસ ક્યા પસાર થઈ જાય છે તેની પણ રહેતી નથી. આ એડવેન્ચર કેમ્પનો સમય સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીનો હોય છે,જો તમે અમદાવાદમાં જ રહેતા હોવ તો વહેલી સવારે નીકળીને રાત્રે આરામથી ઘરે પરત આવી શકો છે.
અમદાવાદથી આશરે 80 કિલોમીટરના અંતરે આવેલો છે ઝાંઝરી વોટર ફોલ. અહીં તમને એકાંત, નિરવ શાંતિ અને કુદરતના સાનિધ્યનો અનેરો નજારો માણવા મળશે. ખાસ કરીને પ્રાઈવસી શોધતા લવ બર્ડ્સ, ન્યૂલી મેરીડ કપલ્સ અને ફ્રેન્ડ્સ ગ્રૂપ માટે આ પ્લેસ સ્પેશિયલ છે. ઝાંઝરી ધોધએ ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા બાયડ તાલુકાના ડાભા ગામની પાસે વાત્રક નદીના કિનારે આવેલો છે. અમદાવાદથી ગાંધીનગર જિલ્લાના મોટા ચિલોડામાં થઈને ત્યાંથી દહેગામથી પસાર થઈને બાયડ જવાના રસ્તે આ વોટર ફોલ સુધી પહોંચી શકાય છે. પાર્કિંગ પ્લેસથી વોટર ફોલ સુધીનું અંતર આશરે બે થી અઢી કિલોમીટરનું છે. ત્યાં સુધી તમે ચાલીને પણ જઈ શકો છો. જોકે, ઉંટ સવારી કરીને પથ્થરો અને જંગલની વચ્ચેથી ઝાંઝરીના ઝરણાં અને ધોધ સુધી પહોંચવાની મજા જ કંઈક અલગ છે. તમે કોઈપણ સિઝનમાં વહેલી સવારે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. જોકે, ચોમાસામાં અને દિવાળી આસપાસ મોટી સંખ્યામાં લોકો અહીં હરવા ફરવા આવતા હોય છે. જોકે, ઝાંઝરી વોટર ફોલ જેટલો મનમોહક લાગે છે તેટલો જ ભયાનક પણ કહેવાય છે. આ સુંદર પાણીના ઝરણાં અનેક લોકોનો ભોગ પણ લઈ ચૂક્યાં છે. તેથી અહીં આવતાં સહેલાણીઓને ખાસ સલાહ છેકે, કોઈએ અહીં વહેતાં ઝરણાંમાં કે ધોધની નીચે ન્હાવાનો પ્રયાસ કરવો નહીં. આમ તો શહેરથી દૂર અને જંગલની વચ્ચે આવેલી આ એક અવાવરું જગ્યા છે. જ્યાં તમને એકદમ નીરવ શાંતિ જોવા મળશે. વાત્રક નદીમાંથી પડતો ધોધ સહેલાણીના આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્થળ પાસે જ ગંગામાતાનું મંદિર પણ છે કે જયાં ભુતકાળમાં 24 કલાક શિવજીનો અભિષેક એક ઝરણા દ્રારા થતો હતો તેમ કહેવામાં આવે છે.
અમદાવાદથી આશરે 35 કિલો મીટરના અંતરે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે થોળ પક્ષી અભયારણ્ય અને તાળવ. શિયાળા દરમિયાન થોળ ખાતે દેશ-વિદેશથી આવેલાં અસંખ્ય યાયાવર પક્ષીઓ વિસામો લેવા આવતા હોય છે. દૂર દેશાવરથી આવેલાં યાયાવર પક્ષીઓને અહીં પાણી અને ખાવાનું મળી રહે છે તેથી તેઓ શિયાળાના ત્રણથી ચાર મહિના સુધી અહીં જ વિસામો લેતાં હોય છે. જો તમે વન-ડે પિકનિક પ્લાન કરી રહ્યાં હોવ તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે. ખાસ કરીને પક્ષી પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. જોકે, અહીંના વાતાવરણની મજા માણવા માટે તમારે વહેલી સવારે જ અહીં આવવું પડશે. અહી સવારથી સાંજ સુધી તમે કુદરતના અસીમ સૌંદર્ય અને યાયાવર પક્ષીઓના કલરવની મજા માણી શકશો. અહીં તમે પરિવાર કે મિત્રો સાથે આવ્યાં હોવ તો અહીં કેન્ટિનની સુવિધા પણ છે. બર્ડ સેન્ચુરીની સાથો સાથ અહીં વિશાળ તળાવ પણ આવેલું છે જેને થોળ સરોવરના નામે ઓળખવામાં આવે છે. જંગલની વચ્ચે એકદમ શાંત વાતાવરણ દેશ-વિદેશથી આવેલાં અસંખ્ય પક્ષીઓનો સુમધુર અવાજ અહીંના વાતાવરણને વધુ આહલાદક બનાવી દે છે. તળાવની આસપાસના જંગલમાં અનેક ઘટાદાર વૃક્ષો પણ આવેલાં છે જે આ સ્થળની શોભામાં વધારો કરે છે. ફોટોગ્રાફીના શોખીનો માટે પણ અહીંના કુદરતી સૌંદર્યને કેમેરામાં કેદ કરવા દૂર દૂરથી આવતા હોય છે. શહેરનાં ઘોંઘાટથી દૂર તમને અહીં નિરવ શાંતિનો અહેસાસ થશે. થોળ ખાતે આવતા યાયાવર પક્ષીઓ ઉપરાંત ફ્લેમિંગો, રાજહંસ, વિવિધ પ્રકારના બગલા, વચેટ કાજીયો અને નકટો જેવા સુંદર પક્ષીઓ પણ તમને અહીં જોવા મળશે.
સાણંદથી 36 કિલો મીટર દૂર અને નળ સરોવરથી જતા રસ્તા પર બર્ડ સેન્ચુરી પહોંચતાના 5 કિલો મીટર પહેલાં જ રસ્તામાં "ઉજાણી ઘર" આવે છે. તમે નળ સરોવર આવ્યાં હોવ તો આ સ્થળ પર તમને બાજરીનો રોટલો, બેંગન ભરથાં, મેથી, ભરેલાં મરચાં, માખણ, કડી, ખીચડી, કચુમ્બર અને છાશની અનલિમિટેડ ડીશની મજા માણી શકો છો. અહીં શુદ્ધ, સાત્વિક ઓછા તેલમાં અને ચૂલા પર માટીના વાણસોમાં બનેલું ભોજન કરવાનો લાહવો મળશે. બીજી ખાસ વાત એ છેકે, અહીં જે જોઈએ તે વસ્તુ તમારે જાતે જ લઈ લેવાની હોય છે અને તમામ ભોજન પાણીના વાસણમાં જ પીરસાય છે. અહીં ટેબલ-ખુરશી ઉપરાંત ખાટલા પર બેસીને જમવાની પણ વ્યવસ્થા છે. જો તમે અહીં જાતે રસોઈ બનાવવાનો આનંદ માણવા માંગતા હોય તો એના માટે પણ અહીં વ્યવસ્થા છે. આ ઉપરાંત બાળકો માટે અહીં લખોટી, ભમરડાં, હિંચકા અને જુનૂ વિસરાતી રમતોની પણ વ્યવસ્થા છે. અહીં ફોટો સેશન માટે પણ સારા ઓપ્શન છે. સૌથી મહત્વ ની બાબત આપના દ્વારા બિલ માં ચૂકવાતી રકમ નો નફો આજુબાજુના ગામના 6 વર્ષ સુધી ના કુપોષિત બાળકોના પોષણ માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે જાણે અજાણે આપ આ બાળકોના વિકાસ માટે 'નિમિત્ત' બની શકો છો. આ ઉપરાંત નળસરોવર રોડ પર અનેક મોટા રિસોર્ટ આવેલાં છે ત્યાં પણ તમે
અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક અંદાજે 70 કિલો મીટરના અંતરે આવેલું છે નળ સરોવર. નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે, જે 120.82 ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. જે 4 થી 5 ફૂટ ઉંડા છીછરા પાણીથી ભરેલું છે. નળ સરોવરમાં એક શાંત માર્શલેન્ડ છે જેમાં 36 નાના ટાપુઓ આવેલાં છે. નળ સરોવરને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે. 200 થી વધુ પ્રકારના પક્ષીઓ મુખ્યત્વે આ તળાવમાં વસે છે અને ત્યાંથી સાઇબેરીયા આવે છે. પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર સ્વર્ગ સમાન છે. નળ સરોવરમાં તમને ગુલાબી પેલિકન, મોટા ફ્લેમિંગો, ક્રેક્સ, બ્રાહ્મણ બતક, જાંબુડિયા મૌરહેન, હર્ન્સ, સફેદ સ્ટોર્ક, વિવિધ જાતના કડવા, ગ્રીબ જોવા મળશે. શિયાળા દરમિયાન આ સ્થળની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. કારણકે, આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ પણ અહીં વિસામો લેવા આવતા હોય છે. છેક ઈરાન અને અફઘાનિસ્તાન ને વિંધિંને પક્ષીઓ અહીં સુધી આવે છે. આ સરોવર પક્ષીવિદો અને અભ્યાસીઓ માટે અતિ રોમાંચક છે. અનેક જાતના પક્ષીઓને એકસાથે જોવા હોય તો તમારે એકવાર નળ સરોવર આવવું જ પડશે. જોકે, તમે આ સુંદર સ્થળની મુલાકાત લેવા માંગતા હોવ તો તમારે વહેલી સવારે જ અહીં આવવું જોઈએ. પક્ષીઓને જોવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવાર અને સમી સાંજનો છે. અહીં નૌકાવિહાર કરીને તમે નાના-મોટા ટાપુઓનું નિરીક્ષણ કરી શકો છો. અહીંના વોચ ટાવર પરથી તમે આખાય નળસરોવરનો એરિયલ વ્યૂ માણી શકો છો. અહીં નાના-નાની ઝૂંપડીઓમાં તમે બાજરીનો રોટલો, દેશી સબજી સાથે કાઢિયાવાડી થાળીની મજા પણ માણી શકો છો. ફોટોગ્રાફીના શોખીનો માટે પણ આ સ્થળ બેસ્ટ છે.