જાદુના પિટારા જેવું ગુજરાતનું વડનગર : ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ધરબી બેઠું છે!

Tue, 17 Sep 2024-3:04 pm,

મહેસાણા જિલ્લામાં આવેલું એક અનોખું નગર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ તરીકે તે જાણીતું છે. જો કે, પ્રાચીન કાળથી તેનું ઐતિહાસિક અને સાંસ્કૃતિ મહત્વ રહ્યું છે. સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ આ નગર એક સમયે વેપારથી ધમધમતું હતું. આ નગર એક રીતે તો ભારતના વૈવિધ્યસભર વારસાની ઓળખ આપે છે. વડનગરના સૌથી પ્રખ્યાત સ્થળોમાં એક છે - શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર. આ ભવ્ય મંદિર, તેની બેનમૂન કોતરણી અને સ્થાપત્ય માટે જાણીતું છે. આ મંદિર નગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રમાણપત્ર છે. મંદિરનું શાંતિપૂર્ણ વાતાવરણ અને આધ્યાત્મિક મહત્વ ભક્તોને આકર્ષે છે.  

ધમધમતા આ નગરની વચ્ચે શાંતિ અર્પતું એક સ્થળ છે -શર્મિષ્ઠા તળાવ. તળાવની પાસે  ભારતીય સંગીતના રાગને સમર્પિત એક મનમોહક થીમ પાર્ક છે. અહીં આવેલા એક મુલાકાતી તેમના સંસ્મરણો વાગોળે છે. 

તળાવથી થોડે દુર છે - કીર્તિ તોરણ. વડનગરના ઐતિહાસિક મહત્વને પ્રદર્શિત કરતાં આ સ્થાપત્યની પર્યટકો અચૂક મુલાકાત લે છે. 12મી સદીમાં ચાલુક્ય વંશના શાસનકાળમાં તે નિર્માણ પામ્યું હતું. કીર્તિ તોરણમાં હિંદુ દેવી-દેવતાઓ અને પૌરાણિક કથાઓ અંકિત છે. 

ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગને વર્ષ 2000માં ઉત્ખન્નન દરમિયાન વડનગરમાં બૌદ્ધ મઠના અવશેષો પ્રાપ્ત થયા. તે દર્શાવે છે કે નગર બૌદ્ધ ધર્મનું પણ કેન્દ્ર હતું. 1992માં વડનગરમાં બોધિસત્વની મૂર્તિ મળી ત્યારે આ પુરાતત્વીય વારસાનો પરિચય થયો.   આઈ.આઈ.ટી, ખડગપુર, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અને અન્ય સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલા ઉત્ખનનમાં પુરાવા મળ્યા કે ઈ.સ. 800માં અહીં માનવ વસાહત હતી. અહીં હાલ ઉત્ખનન પ્રગતિમાં છે. આઈ.આઈ.ટી, ખડગપુરના પ્રોફેસર અનિન્દ્યા સરકાર કહે છે કે અહીં જે મ્યુઝીયમ આકાર પામશે તેમાં શહેરના 2500 વર્ષના વિવિધ સાત સાંસ્કૃતિક કાળને પ્રદર્શિત કરાશે.   

અહીંનું મ્યુઝીયમ ક્લોક ટાવર અને આર્ટ ગેલેરી પણ વડનગરના પ્રગતિના પ્રતિક છે. પર્યટકો અહીં આવી વડનગરના ભવ્ય ભૂતકાળ અને ભારતીય ઈતિહાસની ઝલક મેળવે છે. અહીંના મ્યુઝીયમમાં વિવિધ ધર્મ, શાસકો વિશેની વિગતો પ્રાપ્ત થાય છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના બાળપણ દર્શાવતો વિભાગ પણ અહીં છે. વડનગર પ્રધાનમંત્રીની જન્મભૂમિ તો છે જ, સાથોસાથ ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતું મહત્વપૂર્ણ નગર પણ છે. પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થાપત્યોનું આ નગર ઈતિહાસ અને સંસ્કૃતિમાં રૂચિ ધરાવતા પર્યટકોના મન પર અમીટ છાપ છોડી જાય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link